વેકેશનમાં એક પિતા એના નાના દિકરાને રોજ જુદા જુદા સ્થળોની મુલાકાત કરાવતા હતા. એકદિવસ મંદિરે ભગવાનના દર્શન કરવા જવાનું નક્કી કર્યુ. બાપ-દિકરો તૈયાર થઇને મંદિરે જવા માટે નીકળ્યા.
આજે રસ્તામાં ખુબ ટ્રાફીક હતો. જ્યાં ચાર રસ્તાઓ ભેગા થતા હોય ત્યાં ઓછામાં ઓછી 10 મીનીટ જેટલી રાહ જોયા પછી જ આગળ વધી શકાય એવો હેવી ટ્રાફીક હતો. એક ચોક પાસે આવીને કાર ઉભી રાખી. હજુ તો કાર ઉભી રાખી ત્યાં એક ભીખારી ભીખ માંગવા માટે આવી પહોંચ્યો.
બે હાથ જોડીને વિનંતી કરતા બોલ્યો, " શેઠ, સવારનો ભૂખ્યો છું કંઇક આપોને." છોકરાના પપ્પાને થોડો ગુસ્સો આવ્યો એણે ભીખારીને કહ્યુ, " આમ ભીખ માંગતા શરમ નથી આવતી ? ભીખ માંગવાનું બંધ કરીને કોઇ કામ કર તો તને ખાવાનું પણ મળી રહેશે અને બીજુ જે કંઇ જોઇતું હોય એ પણ મળી રહેશે." ભીખારીએ પોતાની કાકલુદી ચાલુ જ રાખી ' શેઠ, તમે ખુબ દયાળુ છું મારા પર અને મારા બાળ બચ્ચા પર થોડી દયા કરો."
નાનો છોકરો બેઠો બેઠો એમના પિતા અને ભીખારી વચ્ચેનો સંવાદ સાંભળી રહ્યો હતો. થોડીવાર પછી છોકરાના પપ્પા કંટાળ્યા એટલે એણે બારીનો કાચ ઉપર ચડાવી દીધો જેથી પેલા ભીખારીની કોઇ વાત સંભળાય જ નહી. થોડીવાર પછી ટ્રાફીક ક્લીયર થયો અને ગાડી આગળ વધી.
મંદિરમાં પ્રવેશતાની સાથે જ પિતાએ દિકરાને પુછ્યુ, " બેટા, તું ભગવાન પાસે શું માંગીશ ? " છોકરાએ આશ્વર્ય સાથે કહ્યુ, " પપ્પા આપણે ઘરેથી નીકળ્યા ત્યારે તો તમે એમ કહેતા હતા કે ભગવાનના દર્શન કરવા જવા છે. આપણે દર્શન કરવા આવ્યા છીએ કે માંગવા માટે ? " પિતાએ દિકરાને કહ્યુ, " અરે બેટા, ભગવાન પાસે જે માંગીએ એ ભગવાન આપણને આપે. તને સારી શાળામાં એડમીશન મળી જાય એમ માંગજે."
નાના બાળકે પિતાનો હાથ પકડીને કહ્યુ, " પપ્પા તમે પેલા ભીખારીને કંઇ આપ્યુ હતુ ? તમે તો ગાડીનો કાચ ઉપર ચડાવી દીધો હતો તો પછી આપણે ભગવાન પાસે માંગીએ તો ભગવાન પણ કાચ ઉપર નો ચડાવી દે ? "
મિત્રો, આપણે ભગવાન પાસે ભક્ત બનીને નહી ભીખારી બનીને જ જઇએ છીએ. બીચારા ભગવાન પણ કહેતા હશે કે જાત જાતની માંગણી કરે છે એના કરતા મહેનત કર તારી બધી જ ઇચ્છાઓ પુરી થશે.