7 June 2016

બેટા, તારા મતે દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ કોણ છે?

એક ભાઈને સંતાનમાં એક માત્ર દીકરો હતો. દીકરાને સફળતાનાં શિખર સુધી પહોંચાડવા માટે પોતાનાથી બનતા બધા  પ્રયાસો કરવાનું પિતાએ નક્કી કર્યું. દીકરાને સાસામાં સારી સ્કૂલમાં ભણાવવા માટે એમણે દિવસ રાત મહેનત કરી. દીકરાની તમામ જરૂરિયાતનું પિતા ધ્યાન રાખતા. દીકરાને આગળ વધારવા માટે પિતાએ પોતાના બધા જ મોજશોખને મારી નાંખ્યા હતા. એનું એક માત્ર ધ્યેય હતું 'દીકરાને સફળતાની ટોચે પહોંચાડવો'.

પિતાનું સમર્પણ સાર્થક થયું. દીકરાને એક મલ્ટિનેશનલ કંપનીમાં ખૂબ સારા પગારથી નોકરી મળી ગઈ. આજે પિતાના આનંદનો પાર નહોતો એણે વર્ષોથી જોયેલું સપનું આજે સાકાર થવા જઈ રહ્યું હતું. દીકરાએ કહ્યું," પપ્પા, આજે મારી નોકરીનો પ્રથમ દિવસ છે અને તમારે મારી ઓફિસ જોવા મારી સાથે આવવાનું છે." પિતા દીકરાની આલિશાન ઓફિસ પર આવ્યા. દિકરાને આપેલી ચેમ્બર અદભૂત હતી. દીકરો પોતાની ખુરશી પર બેઠો.

પિતાનું હૈયું આજે આનંદથી તરબતર હતું. દીકરાની ખુરશી પાછળ ઉભા રહીને એણે આશીર્વાદ આપવા બંને હાથ દીકરાના ખભ્ભા પર મુક્યા. બાપને થયું આજે મારી જિંદગીભરની તપસ્યા ફળી. હું દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ હોય એવું મને લાગે છે. દીકરા પાસેથી પણ એને આવા જ જવાબની અપેક્ષા હતી એટલે દીકરાને પૂછ્યું, " બેટા, તારા મતે દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ કોણ છે?" દીકરાએ તુરંત જ જવાબ આપ્યો, " અરે પપ્પા શું તમે પણ ! અફકોર્સ હું જ આ દુનિયાનો શક્તિશાળી માણસ છું."

જવાબ સાંભળતા જ પિતાને આંચકો લાગ્યો. દીકરા માટે આટઆટલું કર્યું આમ છતાં દીકરાને મારી કિંમત નથી. કદાચ હું અભણ છું અને એ આટલો બધો ભણેલો છે એટલે એ મારા કરતા પોતાની જાતને વધુ શક્તિશાળી સમજતો હશે. પિતા દુ:ખી હૃદયે સામે આવીને બેસી ગયા. દીકરાને કહ્યું 'દુનિયાના સૌથી શક્તિશાળી માણસને ખુબ ખુબ અભિનંદન.'  દીકરાએ કહ્યું, " પણ પપ્પા દુનિયાના સૌથી શક્તિશાળી માણસ તો તમે છો તો પછી મને કેમ અભિનંદન આપો છો ?"

પિતાને કંઈ સમજ ન પડી. દીકરાને પૂછ્યું, " હમણાં થોડી વાર પહેલા તો દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ તું હતો. પાંચ મિનિટમાં એ સ્થાન મને કેમ આપી દીધું ? " દીકરાએ કહ્યું , ' એ વખતે તો એ સ્થાન મારુ જ હતું કારણકે તમારા બંને હાથ મારા ખભા પર હતા. તમારો સાથ હોય તો હું સમ્રાટ છું અને એ વગર સાવ મુફલિસ છું. " દીકરાની વાત સાંભળીને પિતાની આંખમાં આંસુ આવી ગયા. ઉભા થઈને દીકરાને ભેટી પડ્યા.

મિત્રો, તમે ગમે તેટલા પાવરફુલ ભલે થાવ પણ એ વાત ક્યારેય ન ભૂલતા કે આપણને પાવરફુલ બનાવવા માટે પોતાનો પાવર ડૂલ કરી નાખનારા પિતા આપણાથી પણ પાવરફુલ છે.