28 August 2016

મારી મા ને ખૂબ ખૂબ વ્હાલ!

મારી મા ઉત્તમ શિક્ષિકા હતી. શિસ્તની પુષ્કળ આગ્રહી એટલે એના વર્ગખંડોમાં એના પ્રવેશ સાથે જ ગહન શાંતિની સ્થાપના થઇ જતી. એટલી શાંતિ કે જેના માટે યોગીઓ તરફડતાં હોય છે..!

મારી મા ખૂબ બહાદૂર મહિલા છે. વર્ષ 1983માં મારી બેન અરુણાનાં જન્મ પછી બરાબર પાંચમાં દિવસે મારી મા ને શિક્ષિકાની નોકરીનો હુકમ મળેલો અને નોકરીના સ્થળે બીજા દિવસે જ હાજર થઇ હતી. છ દિવસનાં નવજાત બાળકને લઇ હાજર થયેલી મારી મા ને શાળાના આચાર્યે હાજર તો કરેલી પણ રજાઓ મંજૂર ન કરેલી. દસેક દિવસ સાથે ઘોડીયું લઇને મારી મા શાળામાં ભણાવતી. આ મારી મા સાથે ચોખ્ખો અન્યાય હતો. અગિયારમાં દિવસે વળી આચાર્યએ તઘલઘી હુકમ છોડ્યો. તમારે બાળકીને લઇ શાળાએ આવવું નહી. અને બાર દિવસથી તંગ થયેલી કમાન છટકી! લાકડાંની ખુરશી ઉઠાવી..ધડામ..આચાર્યજીને બે ટાંકા આવી ગયા..! એ પછી મારી મા સુરેન્દ્રનગર જીલ્લામાં 'દબંગ શિક્ષિકા' તરીકે પ્રખ્યાત થઇ ગઇ કેમકે જેને બે ટાંકા આવેલા તે આચાર્ય ચાલું ટર્મના ધારાસભ્યના સગાભાઇ હતાં. મારી મા નો ગુસ્સો વાજબી હતો તે તત્કાલીન ધારાસભ્યે કબુલીને બન્ને પક્ષ વચ્ચે સમાધાન કરાવેલું.

મારી મા કઠોર અને ઇમાનદાર સ્વભાવની છે. હું તેના વર્ગખંડમાં બે-બે ધોરણ ભણેલો. મારા સહાધ્યાયીઓ કોઇપણ તોફાન કરતાં તો મને બાકાત રાખતાં તેમાં હિસ્સો ન લેવા દેતાં. અને કદાચ મેં હિસ્સો લીધો હોય તો મારું નામ ન દેતા કેમકે..મારી મા પક્ષપાતી ન હતી. મારું નામ ઉમેરાય તો પાંચ સોટીની સજા ડબલ કરી નાખતી. અને પ્રથમ કુંવારી સોટીઓ મને જ પડતી..! એ જોઇને જ માર ખાવાની લાઇનમાં છેલ્લો વિદ્યાર્થી ચડ્ડી પલાળતો..! એકવાર શાળાનો ઓરડો બાંધવા ગ્રાંટ મળેલી. સરકારી પ્લાન મુજબ ગ્રાંટ વાપરવાની હતી. મારી મા આચાર્ય હતી. સરકારી એન્જીનિયર મહિલા હતી. રાબેતા મુજબ તેણે કામ યોગ્ય થાય છે તે મુજબના રિપોર્ટ પર સહી કરવાના મારી મા પાસે બક્ષિસ માંગી. માએ બક્ષિસમાં બે સણસણતા બે તમાચા આપ્યાં. મહિલાએ મને કહ્યું. મેં મા ને સમજાવી ' મા બધાં આપે છે દઇ દેવા હતાં' મા એ મને પણ બક્ષિસ આપી!!

મારી મા ધર્મમાં વધુ આસ્થા ધરાવે છે. એટલે જે જે ગામમાં નોકરી કરી ત્યાં ત્યાં ગામનાં મંદિરમાં શુદ્રોના પ્રવેશ બાબતે લડાઇ લડતી. પોલિસમાં ફરિયાદ કરતી. પોલિસ બોલાવતી. પોલિસની હાજરીમાં મંદિરોમાં પ્રવેશ કરતી. અને ગામવાળાનો ખોફ વહોરી લેતી. પણ એનું મનોબળ ખૂબ ઉંચુ હતું. લક્ષ્ય નક્કી કર્યા પછી હારતી નહી. એકવાર શિવમંદિરમાં પ્રવેશ મુદ્દે ગામ આખું એકઠું થયું. ગામના આગેવાનોએ રીતસર મારી મા ને ધમકી આપી કે બીજીવાર મંદિર પ્રવેશ કરશો તો ગામમાં નોકરી નહી કરી શકો. મારી મા ને ચાનક ચડી ગઇ. બિજે દિવસે પોલીસ સ્ટેશન જઇ પોતાનો મંદિર પ્રવેશનો કાર્યક્રમ છે. જીલ્લામાંથી પોલીસ રક્ષણનો હુકમ લઇ આવી. છ બંદૂકધારી પોલિસવાળા સાથે પોતાના આખા વર્ગખંડ સાથે મારો હાથ પકડી મંદિરના પગથીયાં ચડી. સમસ્ત શાસ્ત્રોની જાણકાર મારી મા એ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધી સાથે મારા હસ્તે શિવપૂજા કરી.

એકવાર શાળામાં ગ્રામસભા હતી. કલેક્ટર આવેલા. મા અને ત્રણ મદદનીશ શિક્ષકોને રવિવારના દિવસે હાજર રહેવું પડ્યું. મા પોતાના મદદનીશ શિક્ષકોને 'તું' કહીને સંબોધી રહી હતી. તું આમ કર, તું તેમ કર. કલેટકટરના ધ્યાનમાં આવ્યું. તેણે સરપંચને પૂછ્યું 'મેડમ બધાને તુંકારે કેમ બોલાવે છે? અસભ્યતા કહેવાય'..! સરપંચ હસી પડ્યાં અને બોલ્યા: સાહેબ જે એમના હાથની માર ખાઇ ખાઇને શિક્ષકો બન્યાં હોય તેને માન કેવી રીતે આપે? આ ત્રણેય તેમના જ વિદ્યાર્થી છે. મારી મા સાથે તેમના જ ત્રણ વિદ્યાર્થીઓ શાળામાં ફરજ બજાવતા.

મારી મા શિક્ષણપ્રેમી હતી. એના વિદ્યાર્થીઓ આજે પણ તેના વર્ગખંડના શિક્ષણને યાદ કરે છે. જીલ્લાના ત્રણ ખ્યાતનામ વકિલો, બે પ્રસિદ્ધ ડોક્ટરો, સાતેક જેટલાં નામી એન્જીનીયરો, અને બે મુખ્યધારાના રાજકારણીઓ અને અંદાજે પચ્ચીસેક જેટલાં શિક્ષકો મારી મા નાં હાથ નીચે ભણી ચૂક્યાં છે. અને તેઓ જ્યારે પણ મને મળે છે. કહે છે આજે જે કંઇ છીએ..શારદાબેનના શિક્ષણ અને ખાસ તો મારને કારણે છીએ..!

ગઇ 31 માર્ચે મારી મા..નિવૃત થઇ..એની શૈક્ષણિક કારકીર્દી તથા યોગ્યતાની કદર થઇ એના ધાર્મિક સંસ્કારોના ફળસ્વરુપે તેનું સન્માન પૂજ્ય મોરારીબાપુના હસ્તે થયું. વર્ધમાન વિકાસ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર. અને મારી મા ને ખૂબ ખૂબ વ્હાલ!

-વિજય મકવાણા