21 September 2016

વોટ્સએપ અને ફેસબુકરૂપી બારી બારણા બંધ થોડીવાર બંધ કરીને પોતાની જાત સાથે થોડી વાત કરવાની જરુર છે.

નાના ગામમાં રહેતા એક સામાન્ય સ્થિતિના ખેડુતની હાથમાં પહેરવાની ઘડીયાલ ખોવાઇ ગઇ. ઘડીયાલ જુના જમાનાની હતી પરંતું ખેડુત માટે તો એ અમૂલ્ય હતી કારણ કે આ ઘડીયાલ કોઇ ખાસ વ્યક્તિએ ભેટમાં આપી હતી. ઘડીયાલ શોધવા માટે ખેડુતે આકાશ પાતાળ એક કર્યા. ગુસ્સામાં બરાડા પાડતા પાડતા ઘરનો એક એક ખુણો જોયો પણ ક્યાંય ઘડીયાલ ના મળી.

એને વિચાર આવ્યો કે હું નાના બાળકોની મદદ લઉં કારણ કે હું જ્યાં નથી જોઇ શકતો કે નથી જઇ શકતો ત્યાં આ બાળકો જોઇ શકશે અને જઇ શકશે. એણે બાળકોને લાલચ આપી કે જે મારી કાંડા ઘડીયાલ શોધી આપશે એને હું 100 રૂપિયાનું ઇનામ આપીશ. ઘડીયાલ ઘરમાં જ ક્યાંક ખોવાઇ છે પણ મને મળતી નથી.

ઇનામની વાત સાંભળીને બધા જ બાળકો આનંદમાં આવી ગયા. બધા બાળકો ઘડીયાલ શોધવામાં લાગી ગયા. બધા જ રૂમમાં બાળકો ગયા અને જ્યાં જ્યાં ઘડીયાલ મુકી શકાય એવા બધા જ સ્થાન પર જોયુ. 2-3 કલાકની મહેનત પછી પણ પરિણામ શૂન્ય આવ્યુ એટલે બધા બાળકોએ નિરાશ થઇને ઘડીયાલની શોધના અભિયાનને ત્યાં જ પૂર્ણ કર્યુ.

થોડીવાર પછી એક બાળક આવ્યો અને પેલા ખેડુતને કહ્યુ , " હું આપની ઘડીયાલ શોધી આપુ પણ શરત માત્ર એટલી જ કે મારી સાથે રૂમમાં બીજુ કોઇ ના આવવું જોઇએ " ખેડુતને તો પોતાની ઘડીયાલ જોઇતી હતી એટલે એણે તો બાળકની વાત સ્વિકારી અને પેલા બાળકે ઘડીયાલની શોધ આદરી. થોડીવારમાં એ હાથમાં ઘડીયાલ લઇને બહાર આવ્યો. ખેડુતને થયુ કે ક્યાંક આ બાળકે ઘડીયાલ ચોરીને સંતાડી તો નહી દીધી હોયને ? અમે બધાએ કલાકોની મહેનત કરી તો પણ ઘડીયાલ ન મળી અને આ માત્ર થોડી મિનિટોમાં શોધી લાવ્યો. એણે બાળકને પુછ્યુ કે તે આ ઘડીયાલ કેવી રીતે શોધી ?
બાળકે કહ્યુ કે બીજો વિશેષ પ્રયત્ન કરવાની કોઇ જરુર જ ન હતી. હું રૂમમાં ગયો અને બહારના બારી બારણા બંધ કર્યા અને પછી કાન સરવા કરીને અવાજ સાંભળવા પ્રયાસ કર્યો તો મને ઘડીયાલનો ટીક ટીક અવાજ સંભળાયો અને અવાજની દિશામાં જઇને જોયુ તો ઘડીયાળ મળી ગઇ.

ઓરડાની શાંતિ ઘડીયાલ શોધવામાં મદદરૂપ થઇ તેમ મનની શાંતિ જીવનમાં ઉભી થતી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં મદદરૂપ થશે. આપણે પણ વોટ્સએપ અને ફેસબુકરૂપી બારી બારણા બંધ થોડીવાર બંધ કરીને પોતાની જાત સાથે થોડી વાત કરવાની  જરુર છે.