28 December 2016

મારે માં નથી સાબ

"તે લીધું ચુંબક??? સાચું બોલ નહીંતર મારી મારીને તોડી નાંખીશ" સાહેબે કાંઠલો ઝાલીને છોકરાંને ગાલ પર એક વળગાડી.
               "ના સાબ, હું એ રૂમમાં ગયો જ નથી.." છોકરો રડતાં રડતાં ધ્રૂજતો હતો..એટલામાં એક આ બાબતનાં એક્સપર્ટ સાબ આવ્યાં..
          " તમે નવા છો આ જાતને તમે ના ઓળખો, જુઓ હમણાંજ એ સાચું બોલે છે કે નહીં" એમ કહી ને એક પાટું  માર્યું કે છોકરો વર્ગખંડના ખૂણામાં બેવડ વળી ગયો.. છોકરાનાં વાળ પકડીને એક્સપર્ટ સાબ બોલ્યાં..
        " ખા દેવીના સમ ,તે ચુંબક ના લીધું હોય તો!!!
        "દેવીના સમ સાબ મેં નથી લીધું!! છોકરો બોલ્યો.પણ એક્સપર્ટ કાંઈ એમ માને.. શાળામાં 20 વરસના અનુભવી...
    "ખા તારી માના સોગંદ!! ખા તારી માના સમ" કહીને એક ઝાપટ લગાવી ગાલ પર... છોકરો બોલ્યો નહીં એટલે સાબને બળ મળ્યું!! "કેમ નથી સમ ખાતો... ખા માના સમ... જોયું હવે ઘામાં આવ્યો છે..."  સાબ મારતાં જાય ને છોકરો રોતો જાય.. આજુબાજુમાં વિદ્યાર્થીઓનું ટોળું થઈ ગયું.. અને સાબ બોલ્યાં.. "એય લાવ્ય તો ઓલું સ્ટમ્પ, હમણાં જ માને છે કે નહીં.. " એક્સપર્ટે છોકરાને  ઢસડ્યો.. લોબીમાં લાવીને કીધું..
       " છેલ્લી વાર કહું છું કે ચોરી કબુલી લે, અથવા તો માના સમ ખા, બાકી આજ તો ઢીંઢા ભાંગી જવાના છે એમ કહીને બે હાથે સ્ટમ્પ ઉગામ્યું કે છોકરો રાડ પાડીને બોલ્યો..
           " મારે માં નથી સાબ, મારે મા નથી!! અને સાહેબના હાથમાં સ્ટમ્પ એમને એમ રહી ગયું અને આંખમાંથી આંસુની ધાર થઈ.. સાબની મા પણ નાનપણમાં જ ગુજરી ગઈ હતી..!!!