11 December 2016

‘વિદ્યાર્થીઓની બુદ્ધિમત્તાની મુલવણી તેઓએ વાર્ષિક પરીક્ષામાં મેળવેલ ગુણોની ટકાવારીના આધારે નહિ કરતાં તેનામાં થયેલ ‘સંવેદનાકરણ’ (sensitization)ની માત્રાના આધારે અને તેના વિચારોની મૌલિકતાના આધારે કરવી જોઈએ.’

વાતાૅ એકવાર જરૂર વાંચો મિત્રો 👇👇👇

એકવાર બે મિત્રો જંગલમાં ફરવા નીકળ્યા. અચાનક એમણે સામેથી એક રીંછ આવતું જોયું. બંને મિત્રોએ રીંછ અને બે મિત્રોની પંચતંત્રવાળી વાર્તા વાંચેલી હતી. એટલે એક મિત્ર તો આસપાસમાં ક્યાંક ઝાડ હોય તો તે શોધવા લાગ્યો. પરંતુ, જંગલ-માફિયાઓએ ઝાડ કપાવી નાખ્યાં હોવાથી તેને કોઈ ઊંચું ઝાડ જોવા મળ્યું નહીં. આજુબાજુ જોતાં, ઝાડના એક ઠૂંઠાને ટેકે પડેલું એક બાઈક એની નજરમાં આવ્યું. ઠૂંઠા ઉપર લટકાવેલા બોર્ડમાં લખ્યું હતું : ‘જંગલી પ્રાણીઓના સંભવિત હુમલા વખતે નાસી છૂટવા આ બાઈકનો ઉપયોગ કરવો. આ બેટરીથી ચાલતું બાઈક હોઈ તેની વહનક્ષમતા માત્ર એક જ વ્યક્તિની છે. – વનવિભાગ.’

આ વાંચી પહેલા મિત્રે તો બીજા મિત્રને ભગવાન ભરોસે છોડીને બાઈક પર સવાર થઈ ભગાડવા માંડ્યું. આ જોઈ બીજા મિત્રે પોતાને પણ બેસાડવા બૂમ પાડી. પણ પહેલા મિત્રે તેની પરવા ન કરતાં ચાલુ બાઈકે જ જવાબ સુણાવી દીધો : ‘અલ્યા ! આ બાઈક પર ડબલ સવારી ચાલશે નહીં. આપણે બેય જીવ ખોઈશું.’

હવે બીજા મિત્રે પંચતંત્રની કથા પ્રમાણે જીવ બચાવવા જમીન પર મરેલા માણસની માફક શ્વાસ રોકીને પડ્યા રહેવાનો ઢોંગ આદર્યો. રીંછ એની નજીક આવ્યું. પણ એના આશ્ચર્ય વચ્ચે એ પંચતંત્રની વાર્તા મુજબ તેને સૂંઘવાને બદલે તેને છોડી આગળ જવા માંડ્યું. એટલે એ મિત્રે તો ‘હાશ ! માંડ બચ્યા.’ એમ વિચારી, ઊભા થઈને રીંછ ગયું હતું તેનાથી વિરુદ્ધના રસ્તે દોટ મૂકી. બે-એક વાંભ દોડ્યા બાદ, એણે પાછું વાળીને જોયું તો એના તો મોતિયા જ મરી ગયા. કેમ કે, રીંછ આગળ જવાને બદલે હવે પાછું વળી, એક ઝાડના ઠૂંઠાને એક હાથનો ટેકો દઈ બીજો હાથ કમરે ટેકવીને આરામથી એની હરકત નિહાળતું હતું. મિત્રનાં તો ગાત્રો સાવ ગળી જ ગયાં. ત્યાં રીંછ ધીમે ધીમે તેની નજીક આવવા લાગ્યું. હવે શું કરવું એનો કોઈ રસ્તો ન સૂઝતાં, એ માણસ રીંછ જાતિના મિત્ર હનુમાનની સ્તુતિ એવં હનુમાન ચાલીસા ફફડાવવા માંડ્યો. હવે રીંછ એની તદ્દન નજીક આવી ગયું અને એના નાકનાં મોટાં મોટાં ફોયણાં વડે એના શરીરનાં જુદાં જુદાં અંગોને સૂંઘવા લાગ્યું. મિત્રને થયું, હજી પણ તક છે, લાવ, શ્વાસ રોકીને મરેલાનો ફરી ઢોંગ કરી જોઉં. એટલે એ શ્વાસ રોકીને ઊભો રહ્યો. પરંતુ ત્યાં તો એણે કોઈ પરગ્રહવાસી જીવ કમ્પ્યૂટરરાઈઝડ ટ્રાન્સલેટર મશીન દ્વારા માનવ-ભાષામાં જે રીતે બોલે તે રીતે રીંછના મોઢામાંથી બોલાતા શબ્દો સાંભળ્યા : ‘હે માનવબંધુ, તારે મરેલાનો ડોળ કરવાની જરૂર નથી. કેમ કે, પંચતંત્રની એ વાર્તાનો અમારાં બચ્ચાંઓના તાલીમ-કોર્સમાં ઘણાં વર્ષોથી સમાવેશ કરી દેવામાં આવ્યો છે. પણ તને સૂંઘી જોવાથી મને ખાતરી થઈ ગઈ છે કે, તારું શરીર ડાયક્લોફેનેક સોડિયમ (Dyclofenec Sodium) ના ઘટકવાળી પીડાશામક દવા લેવાથી પ્રદૂષિત થઈ ગયું હોવાથી વન્ય પશુપ્રાણીઓના ખોરાક તરીકે નકામું છે. આમેય, આજે એકાદશી હોવાથી મેં ઉપવાસ કર્યો છે. એટલે તારે મારાથી કોઈ ડર રાખવાની જરૂર નથી.’

રીંછને આ પ્રમાણે માનવભાષામાં બોલતું સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયેલા માણસે રીંછને સવાલ કર્યો : ‘રીંછભાઈ ! આપ અમારી ભાષા કેવી રીતે બોલી શકો છો ?’
રીંછે સસ્મિત ઉત્તર વાળ્યો : ‘ થોડાં વર્ષો અગાઉ અહીં તમારી જેમ જ બે મિત્રો, એક ન્યૂરો-સર્જન અને એક કમ્પ્યૂટર એન્જિનિયર ભૂલા પડી ગયા હતા. તે દિવસે બારસ હતી. એટલે અગિયારસના ઉપવાસ છોડવા અમે ‘હેવી બ્રેકફાસ્ટ’ની ખોજમાં ફરતાં હતાં. તેમાં આ બેઉ જણા અમને મળી ગયા. એમણે ઈશારાથી અમને પોતાને છોડી દેવાના બદલામાં એક ‘એક્સચેન્જ ઓફર’ મૂકી અને અમને એક ‘મલ્ટી લેન્ગવેજ ટ્રાન્સલેશન ચીપ’ બેસાડી આપી. તેથી અમે હવે તમારી ઘણી ભાષાઓ સમજી શકીએ છીએ. અને બોલી પણ શકીએ છીએ. પણ….’
‘પણ શું ?’ પેલા માણસે પૂછ્યું.
રીંછે કહ્યું : ‘પણ હવે એમાં એક મુશ્કેલી એવી થઈ છે કે, તમે લોકો હમણાં હમણાં ગુજરાતીમાં બોલતી વખતે દરેક વાક્યમાં અડધા શબ્દો તો અંગ્રેજીના વાપરો છો. એના લીધે અમારા ‘ભાષાંતર યંત્ર’ને ડિક્ષનેરી ખોલવી પડે છે. એમાં સમય લાગવાથી અમને તમારી વાત સમજતાં વાર લાગે છે. તમારી પાસે આનું ‘સોલ્યુશન’ ધરાવતી કોઈ અદ્યતન ‘માઈક્રો ચીપ’ છે ?’
પેલા માણસે ના પાડતાં કહ્યું : ‘હું તો દવાની કંપનીનો સેલ્સમેન છું. એટલે તમારી મારા પ્રત્યેની સૌજન્યશીલતા બદલ તમને ‘એગમાર્ક’વાળા શુદ્ધ મધની એક ડઝન બોટલ ભેટરૂપે આપીશ.’

રીંછે કહ્યું : ‘આભાર ! આમ તો અમે ઝાડ ઉપરના મધપુડાનું તાજું મધ જ ખાઈએ છીએ. પણ આજકાલ અમારાં બાળકો ‘જંક-ફૂડ’ના રવાડે ચડ્યાં છે, એટલે એમને તમારી બોટલો જરૂર પસંદ પડે, પણ તૈયાર બોટલનું મધ ખાઈને પછી અમારાં સંતાનો ઝાડ ઉપર ચઢવાનુંય ભૂલી જશે. એટલે એ રહેવા દો. પણ તમારા જીવનમાં ‘રોડ’નું જેટલું મહત્વ છે તેટલું અમારે માટે ‘ઝાડ’નું મહત્વ છે. તમારે મન નવા રોડ બનાવવાની જેટલી ફિકર હોય છે, તેટલી અમને ઝાડ કપાતાં બચાવવાની ફિકર હોય છે. એટલે તમે કરી શકો તો લાગતાવળગતા સત્તાવાળાઓના કાને અમારી એવી લાગણી પહોંચાડો કે, જંગલો કપાતાં અટકાવે તો અમારે નિર્વાહ માટે અભયારણ્ય બહાર જવાની અને માનવવસ્તીની સાથે સંઘર્ષમાં ઊતરવાની ફરજ ન પડે.’

ત્યારબાદ, રીંછ તે માણસને જંગલની બહાર નીકળવાનો ટૂંકો અને સલામત રસ્તો બતાવી પોતાના રસ્તે ચાલી ગયું. પેલા માણસે પોતાના ઘરે જઈને વન વિભાગને એક પત્ર લખ્યો. જેમાં એણે રીંછોના અભ્યારણ્યમાંથી એકલદોકલ રીંછ બહાર આવી જઈ પ્રવાસીઓને ભયજનક ન બને તે માટે અભયારણ્યની ચોતરફ કાંટાળા તારની વાડ વહેલી તકે બાંધવા સૂચન કર્યું.

ઉપરોક્ત વાર્તા સંભળાવ્યા બાદ, વર્ગશિક્ષકે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો :
‘બોલો બાળકો, આ વાર્તામાંથી આપણને શો બોધ મળે છે ?’
વર્ગમાં પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીએ ઊભા થઈ જવાબ આપ્યો : ‘સર, સરકારે જંગલમાં જે સિંગલસવારીની બાઈક રાખી છે તેને બદલે ડબલ સવારીની ક્ષમતાવાળી બાઈક રાખવી જોઈએ.’ બીજો ક્રમાંક લાવનાર વિદ્યાર્થીએ જવાબ આપ્યો : ‘ટીચર, આપણા કોર્સમાં પંચતંત્રની જે ‘રીંછ અને બે મિત્રો’વાળી વાર્તા છે, તેમાં સુધારો કરવો જોઈએ.’ વર્ગશિક્ષકે હવે પરીક્ષાઓમાં સૌથી નબળું પરિણામ લાવતા વિદ્યાર્થી તરફ જોઈ કહ્યું : ‘બોલ બેટા ! તને આમાંથી શું બોધ મળે તેની કંઈ સમજ પડે છે ?’

તે વિદ્યાર્થી ખચકાતાં ખચકાતાં ઊભો થયો ને બોલ્યો :
‘સાહેબ ! મને તો છે ને… છે ને…. એવું લાગે છે કે, આપણે સમાજશાસ્ત્રમાં ‘માનવી’ અને ‘જંગલી પ્રાણી’ની જે વ્યાખ્યા લખી છે, તેને બદલાવી નાખવી જોઈએ.’
‘એટલે ? તું શું કહેવા માંગે છે ? જરા સ્પષ્ટ રીતે કહી બતાવ.’ વર્ગશિક્ષકે માથું ખંજવાળતાં પૂછ્યું.
‘એટલે કે સાહેબ, ‘માનવી’ની જે વ્યાખ્યા લખી છે તે ‘જંગલી પ્રાણી’ની સામે અને ‘જંગલી પ્રાણી’ની જે વ્યાખ્યા લખી છે તે ‘માનવી’ની સામે લખી નાખવી જોઈએ.’ છોકરાએ સ્પષ્ટતા કરી. વર્ગખંડમાં ચાલી રહેલ ઉપરોક્ત અભ્યાસ-કાર્ય નિહાળી રહેલ શાળાના ‘ગુણોત્સવ કાર્યક્રમ’ના નિરીક્ષણ અર્થે આવેલ અધિકારીએ શાળાના નિરીક્ષણને અંતે કરવાનાં સૂચનોના ખાનામાં નીચે મુજબની નોંધ કરી :

‘વિદ્યાર્થીઓની બુદ્ધિમત્તાની મુલવણી તેઓએ વાર્ષિક પરીક્ષામાં મેળવેલ ગુણોની ટકાવારીના આધારે નહિ કરતાં તેનામાં થયેલ ‘સંવેદનાકરણ’ (sensitization)ની માત્રાના આધારે અને તેના વિચારોની મૌલિકતાના આધારે કરવી જોઈએ.’

~ અખંડ આનંદ ~