28 February 2017

નાનપણનો નોસ્ટાલજીયા

નાનપણનો નોસ્ટાલજીયા

પીળા કપડાને પાથરી,કંકુના છાંટા કરી,ગોળધાણા ની સાથે શીરો ધરાવી, જમણા હાથે નારાછડી બાંધી કપાળે ચાલ્લો કરીને કદાચ પહેલીવાર બંદાને શાળાએ મુકવા પપ્પા સ્કુટર પર આવ્યા હશે.શાળામાં પગ મુકતાજ હસતા હોઇશુ કે રડતા એ તો ઇશ્વર જાણે! પણ ઍક ગજબની લાગણી જન્મી હશે જે આજેય અકબંધ છે.

આજેય શાળાની બહારથી પસાર થતા “મારી સ્કુલ” એવા શબ્દો નીકળીજ જાય છે. બાલમંદિર કે પહેલા બીજામા પડતા, આખડતા ગરબડ ગોટાળા કરતા જીવનનો એકડો ઘુંટતા શીખ્યા.

રોજ રોજ એક જ રંગનો યુનીફોર્મ પહેરવાની ફરજ એકબીજામાં સમાનતા અને ભાઇચારાની ભાવના પ્રગટાવવા હતી એની જાણ કેટલાય ઉંમરથી મોટા થઇ ગયેલાઓને આજેય કદાચ નહી હોય.

“કરમણ્યૈ વાધીકારસ્તે” નો સિંધ્ધાંત ન જાણતા આપણે વિદ્યા નામની વનસ્પતીના પાંદડાને નોટબુકના બે પાનાની વચ્ચે મુકિને A ગ્રેડની રાહ જોતા ઍ યાદ કરીને  મ્હો મલકી જાય છે નહી?

સવારથી લાવેલા અને સાથે બેસીને ખાધેલાઍ નાનકડા નાસ્તાના ડબ્બામાં રહેલા સેવમમરા જેવો સ્વાદ આજે બત્રીસે જાતના ભોજનમાં શોધવા જઇએ તોય જડતો નથી.

આજના હાયજીનીક સેન્સમા જીવવા જાતને ટેવ પાડતા આપણને નાનપણમાં વાગતુ અને મ્હોઢાંનુ થુક તેના પર લગાડિને મુઠ્ઠી માટી તેના પર ચોપડિ દેતા અને પાછુ મટી પણ જતુ એ માન્યામાં નથી આવતુ.

“જોની જોની યસ પપ્પા.. ઇટીંગ શુગર નો પપ્પા “.. શીખતી વખતે કોને ખબર હતી કે આવનારી જિંદગીમાં નોકરીમાં બોસ સામે અને ધંધામાં ઉઘરાણીવાળાની સામે બોલવાના જુઠાણાની એ નેટ પ્રેકટિસ હતી!!!

હજીયે પેલો બાવો શોધે જડતો નથી જે આપણે ના ઉંઘી જઇએ તો આવવાનો હતો ને મારો બેટૉ કયારેય આવ્યો નથી..

દુકાનમાં જે ગમતું રમકડું આપણને ગંદુ છે એમ કહી ને બિજુ હાથમાં પકડાવામાં આવતુ ત્યારે એ ખુબ મોંઘું હતું એની સમજણ છેક આજે જઇને પડે છે.

ઍ શૈશવમાં ખાધેલો માર હશે કે પછી ઍમનાજ સીંચેલા સંસ્કાર કે આજે પણ સામે મળેલા શાળાના શીક્ષકને જોઇ રસ્તાની વચ્ચે પણ તેમને પગે લાગીયે છીયે. વળી પાછા આપણને જીવનમા આગળ વધેલા જોઇને જયારે તેમની આંખો હર્ષથી ભીની થઇ જાય ત્યારે એજ શીક્ષકની આપણે પાડેલી “પોપટ” જેવી ખિજ યાદ કરીને કયાંરેક પોતાના પર પણ આપણને ધીક્કાર થતો જ હશે નહિ?

એક હાથમા સાઇકલનુ હેન્ડલ અને બીજા હાથેથી પસાર થતા ટ્રેકટર કે ટ્રકની સાંકળ પકડિને પેન્ડલ મારવાના થાક માંથી બચવાના પ્રયત્નો કરવાના અને પાછા ઍ વાત પર મીત્રો સામે “સોટો” મારવાનુ યાદ આવતા રોમાંચ તો થાય જ છે... પણ.... એ વખતે હાથ છુટી ગયો હોત તો ??? કલ્પના માત્રથી ધુર્જારી છૂટિ જાય છે.

બાય ગોડ... વાગ્યુ આપણને હોય ને કીડી કેમની મરી જાય? અને બંધ ઓરડામાં આંખ સામેથી કાગડો આવીને મનગમતી ચોકલેટ કંયાથી લઇ જાય એ દુનિયાનું કોઇ બાળક આજ સુધી જાણી નથી શક્યુ અને જાણી શકશે પણ નહી. થેન્કસ ટુ આપણા જેવા મોટા લોકોનો....

બાળપણમા કોઇપણ વ્યક્તિના લગ્નના વરધોડામા મન મુકીને નાચી શકતા આપણને આજે કોઇ જાણીતાના લગ્નમાં હાથ પકડિને પણ ખેંચવામા આવે ત્યારે પેલુ સ્ટેટસ નામનુ આપણને વળગેલુ ભુત રોડ ઉપર ધુણવા દેતુ નથી.

પાડોશમાં રહેતા પટેલ કાકાની જે બેબી યુવાનીમાં ઘરે આવે તો પાણી પાણી થઇ જવાય એની જ બીક નાનપણમાં બતાવીને કહેવામાં આવતુ કે જલ્દી જમી લે નહીતો પટેલ કાકાની બેબી આવીને ખઇ જશે.. કમાલ છે!!!!

નીંતાતને નિરાંતમાં અનુભવવાનુ સિધ્ધ પુરુષો કહ્યી ગયા છે પણ કદાચ કોઇપણ જાતના સ્વાર્થ વગર બસ ઢોળાતા રહેતા ઍ શૈશવમાં ઍ પરમાત્મા ને શોધવો નહતો પડતો.

આપણા માંના ઘણાને આંગળી પકડીને મંદિર લઇ જઇ એક મૃતી બતાવીને કહેવામાં આવ્યુ હતુ કે આ ભગવાન એને પગે લાગવાનુ.. આપણે કેમ પૂછ્યુ ન હતુ ને એમણે આપણને કહ્યું પણ ન હતુ.. બસ એજ સિસ્ટમ આજે પણ ચાલે જ છે.
.
આજે એરકન્ડિશન બેડરુમમાં આળોટિ આળોટીને ઉંધ બોલાવા મથતા  આપણે શાળાથી ઘરે આવીને આખો દિવસ ખુબ બધ્ધુ રમતા સાંજ પડે જમતા ન જમતા અને ત્યાં તો આંખો ઍવી મીચાંતી કે સ્વપનાઓને ય થતુ કે  દખલ નથી કરવી.

આજે કદાચ સદભાગ્ય મળ્યુ કે શબ્દોથી વળી પાછા પેલા શૈશવ સુધી પંહોચી શકાયુ. બે ધડિ માંતો વિતેલા કઇ કેટલાય સંસ્મરણોને અનુભવવાનુ. કદાચ આ વાંચી શૈશવની કોઇ મીઠી યાદ તમને પણ આવી જાય તો જન્મારો સફળ....