28 March 2017

પિતા-પુત્રી મિલન સુખદ સંયોગ

5 મિનિટ વાચજો..... અને જો આંખ ભીની ન થાય અને હૃદય માં થોડો ડુમો ન બાઝે,  તો સમજી લેજો સાહેબ કે તમે આ યુગના રોબોટ બની ગયા છો....

જરૂરથી ગમશે જ..

“શર્વિલ, ઉઠી જાઓ, જુઓ સવાર ના સાડા સાત થઈ ગયા, પછી તમારે હોસ્પિટલ જવાનું મોડુ થશે.” રસોડા માં રસોઈ બનાવતાં બનાવતાં નિર્મિકા એ બૂમ મારી ને બેડરૂમ માં સૂઈ રહેલા પોતાના પતિ ને ઉઠાડતાં કહ્યું. શર્વિલ પણ હોશિયાર હતો. આમ બૂમ થી થોડો ઉઠી જવાનો હતો! એ જાણતો હતો કે પોતે નહીં ઊઠે તો નિર્મિકા નજીક આવી ને પોતાની બંગડીઓની ખનક થી ઉઠાડવા બેડરૂમ માં આવશે. અને બસ નિર્મિકા આવી. આવતાં જ શર્વિલએ નિર્મિકા ને પ્રેમથી પોતાના આશ્લેષ માં જકડી લીધી.

“શું શર્વિલ તમે પણ સવાર સવાર માં મસ્તી જ સૂઝે છે તમને!” નિર્મિકા એ શરમથી આંખો ઢાળી દીધી.

”પત્ની ને પ્રેમ કરવો એ પણ ગુનો છે?” શર્વિલ ની આંખો માં પ્રેમ વરસતો હતો.

“હવે, જલ્દી તૈયાર થાઓ, તમારે હોસ્પિટલ જવાનું મોડુ થશે.” નિર્મિકા શર્વિલના આશ્લેષમાંથી નીકળવા મથામણ કરી રહી હતી.

બસ આવા જ નિર્મિકાના મીઠા સંવાદ સાથે શર્વિલની સવાર થતી. શર્વિલ ખુશ હતો. બસ હજુ થોડા દિવસો પહેલા જ શર્વિલના નિર્મિકા સાથે લગ્ન થયા હતા. નિર્મિકા પણ થોડા જ દિવસો માં શર્વિલની પૂરક બની ગઈ હતી.

રસોડામાં શર્વિલ નું ટિફિન ભરતાં ભરતાં નિર્મિકા એક ક્ષણ માટે શૂન્યમનસ્ક થઈ ગઈ. શર્વિલ હજુ નાહી ને તૈયાર થઈ ને આવે ત્યાં સુધી તો નિર્મિકા એ પર્સ, રૂમાલ, મોજાં અને ટિફિન બધુ જ તૈયાર કરી ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધું. પ્રેમથી ભરેલા ચુંબન થી શર્વિલને વિદાય આપી પોતાના ફ્લૅટની ગૅલૅરી માં ઊભી ઊભી શર્વિલને નીરખી રહી હતી.

સપ્તરથ પર આરુઢ થઈ ને સૂર્યરાજા ની સવારી આવી ચૂકી હતી. તડકો હજુ કૂણો હતો. આકાશમાં આછી આછી વાદળીઓએ સુંદર મજાની ભાત પાડી હતી. શીત હવાની લહેરખી નિર્મિકાના ગાલ પર રહેલા વાળને ઉડાડતી હતી. નીચે રોડ પર રિક્ષા, સ્કૂટર, બસ, કાર અને રાહદારીઓ રઘવાયાં થઈ ને દોડી રહ્યાં હતાં. આમેય સુરત શહેર વ્યસ્ત શહેરોમાનું એક શહેર હતું. ત્યાં જ નિર્મિકાની નજર દૂર એક આશરે 3 વર્ષ ની નાની બાળકી પર પડી. એ સુંદર મજાની ઢીંગલી પોતાના પપ્પાની આંગળી ઝાલી ને ધીમે ધીમે ડગ માંડી રહી હતી, એટલામાંજ એ ચાલતાં ચાલતાં પડી ગઈ અને આંખમાંથી મોતી સરતાં જ હતાં કે એના પપ્પા એ એને ગાલ પર પપ્પી આપી ઊંચકી લીધી. નિર્મિકાને એના પપ્પા ની યાદ આવી ગઈ અને એની આંખો પર બાઝેલાં મોતીઓ એ એનો પુરાવો આપી દીધો. એવું નહોતું કે સાસરે કોઈ વાત ની ખોટ હતી, એથી વિરુધ્ધ સુરત શહેરની પ્રતિષ્ઠિત કોર્પોરેટ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડૉ. શર્વિલની અનહદ પ્રેમવર્ષામાં એ ભીંજાઇ રહી હતી, પણ ચિંતા પપ્પા થતી હતી. પપ્પા હવે એકલા હતાં.

* * * *

“નિર્મિકા, આજે કદાચ એક મેડિકલ અસોસિએશન મીટિંગ અંતર્ગત અમદાવાદ જવાનું થશે. રિસેષ ટાઇમમાં પપ્પા ને મળી આવીશ અને એમની તબિયત પણ પૂછતો આવીશ. તને સાથે જ લઈ જાત પણ બધા મિત્રો જોડે એમની જ કારમાં જવાનું છે.” શર્વિલે સોફા પર મોજાં પહેરતાં પહેરતાં ટિફિન પૅક કરી રહેલી નિર્મિકાને સાદ પડી ને કહ્યું.

શર્વિલ આજે પપ્પા ને મળવા જશે એ વાત થી જ નિર્મિકા ની આંખોમાં ચમક આવી ગઈ.

“પપ્પા ને ત્યાં જવાના છો? જજો જ, ટાઇમ લઈ ને, અને ઊભા રહો આ ગાજર નો હલવો બનાવ્યો છે એ પૅક કરી આપું છું. પપ્પા ને બહુ ભાવે છે.” નિર્મિકા ની આંખોમાં ખુશી નીતરતી હતી.

શર્વિલે નોંધ્યું હતું કે જ્યારે જ્યારે નિર્મિકા ટિફિન પૅક કરી ને આપતી હતી ત્યારે ત્યારે એની આંખો જાણે કશુંક કહેવા માંગતી હોય એવો ભાસ થતો હતો, પણ એ આંખોને નિર્મિકા એક એવા આવરણમાં ગૂંથી લેતી કે શર્વિલ એની આંખો કળી શકતો નહોતો. પરંતુ આજે નિર્મિકાની આંખોમાં એવું કોઈ જ ગૂઢ આવરણ નહોતું, ખૂબ જ ખુશ હતી.

એનો હાથ હાથમાં લઈ ને બોલ્યો, “ હા ડિયર, હું શ્યોર પપ્પા ને મળીને જ આવીશ અને એમની પરીની ખૂબ યાદ આપીશ. એ પણ કહીશ કે પપ્પા તમે તમારી પરીની બિલકુલ ચિંતા ન કરશો. એ એના સાસરે પણ પરી બનીને જ રહેશે.”

* * * *

જ્યારે જ્યારે નિર્મિકા શર્વિલ માટે ટિફિન પૅક કરતી ત્યારે ત્યારે પપ્પા ની યાદ આવી જતી અને એ શૂન્યમનસ્ક થઈ જતી. પોતે ૧૨ વર્ષ ની હતી ત્યાર થી જ પપ્પા માટે એ જ રસોઈ બનાવતી પણ હવે પપ્પા પાસે કોઈ નહોતું. મમ્મી ની અચાનક વિદાય પછી નિર્મિકા એ જ ઘર ની સઘળી જવાબદારી સંભાળી લીધી હતી. પપ્પા એ પણ પોતાની એકની એક લાડકવાયીને પ્રેમથી ઉછેરી હતી. પણ હવે …….

* * * *

“બેટા, પરી મારા ચશ્માં ક્યાંક મૂકાઈ ગયા છે, જરા શોધી આપ ને?” હાથ માં છાપું લઈ બહાર હીંચકા પર બેસતાં બેસતાં નટવર કાકાએ ઘર તરફ બૂમ મારી ને કહ્યું. જ્યારે કોઈ પ્રતિસાદ ન આવ્યો ત્યારે નટવરકાકાને યાદ આવ્યું કે પરી તો હવે પોતાના સાસરે હતી. રિટાયર્ડ જીવન જીવતાં નટવરકાકાના હ્રદય માં દીકરી ને સારું ઘર મળ્યા નો સંતોષ હતો. એ પરીના રૂમમાં જતાં, પરીના હોવાનો અનુભવ કરતાં. એના કપડાં, સ્કૂલ અને કોલેજની ચોપડીઓ, એની બેગ બધુ જ જેમનું તેમ સચવાયેલું હતું જેવુ એ મૂકી ને ગઈ હતી. એના રૂમમાંથી એની કોઈ પણ વસ્તુ આઘી પાછી ન થાય તેનું એ ખાસ ધ્યાન રાખતાં, ક્યારેક ક્યારેક એની યાદ આવતી ત્યારે ત્યારે એનું આલ્બમ જોઈ લેતા.

* * * *

“શર્વિલ કુમાર, આવો આવો, બસ તમારી જ રાહ જોતો હતો, પરી નો ફોન આવી ગયો હતો કે તમે આવશો.” નટવરકાકા ચહેરા પર આકાર લેતી ખુશીઓની રેખાઓ શર્વિલને સ્પષ્ટ દેખાઈ રહી હતી. શર્વિલે પણ સ્મિત આપી ઘર માં પ્રવેશ કર્યો.

“હા, પપ્પા, પરી ને પ્રોમિસ જો આપ્યું હતું કે હું પપ્પા ને મળવા જઈશ. અને હા પપ્પા લો આ પરી એ તમારા માટે ગાજર નો હલવો મોકલ્યો છે.”

“પરી બેટા એ મોકલ્યો? મારી પરી મજા માં તો છે ને?” નટવરકાકા હાથ માં ગાજર ના હલવાનો ડબ્બો પકડતાં પકડતાં જાણે પરીની આંગળી ઝાલી હોય એવો અનુભવ કરતાં હતાં.

“હા, પપ્પા, પરી એકદમ મજામાં છે, હવે ઉતરાણ પર અમે બંને સાથે આવીશું.” શર્વિલ જરા હળવાશથી કહ્યું.

“શર્વિલ કુમાર તમે બેસો, હું તમારા માટે ચા બનાવી લાવું. હું બનાવી ને જ રાખત, પણ પછી ચા ઠંડી થઈ જાત તો મજા ના આવત.” હર્ષપૂર્વક નટવરકાકા એ કહ્યું.

“અરે પપ્પા, કોઈ તકલીફ ના ઉઠાવો.”

“અરે હોતું હશે, શર્વિલ કુમાર, તમે લગ્ન પછી આમ પહેલી વાર સાસરે આવ્યા છો, અને મારે પણ ચા પીવાની બાકી જ છે, આપણે બંને સાથે ચા લઈશું બસ!” સંવાદ પૂરો થયો ના થયો નટવર કાકા એટલામાંતો રસોડામાં પહોંચી પણ ગયા.

શર્વિલ બેઠક રૂમમાં સોફા પર બેઠાં બેઠાં નિર્મિકાના પપ્પા સાથેના નાનપણના ફોટાઓ નીરખી રહ્યો હતો, એટલામાં એની નજર ટીપોઇ નીચે પડેલી એક ચિઠ્ઠી પર પડી. કુતૂહલતાપૂર્વક એને ચિઠ્ઠી જોઈ તો એ પામી ગયો કે અક્ષરો નિર્મિકા ના હતાં અને એ ચિઠ્ઠી નિર્મિકા એ લગ્નના દિવસે એના પપ્પા ને ઉદ્દેશી ને લખી હતી. જિજ્ઞાસાપૂર્વક શર્વિલ વાંચી રહ્યો હતો.

પપ્પા…

આવતીકાલથી હું આ ઘર માં નહીં હોંઉ, તમારી તબિયત નું ધ્યાન રાખજો, બી.પી. અને ડિયાબીટીસ બંને ની દવાઓ સમયસર લેજો. બધી જ દવાઓ ટી.વી. નીચેના કબાટમાં મૂકી છે, બધી દવાઓ પર કઈ દવા ક્યારે લેવાની છે એ મે લખી દીધું છે.

કબાટના ઉપર ના ખાનામાં તમારા બધાજ ધોયેલાં શર્ટ અને પેન્ટ ઇસ્ત્રી કરીને મૂકેલા છે અને હા તમારા ચશ્માં ન મળે તો પહેલાં ટીપોઇની નીચે છાપાં પર જુઓ, પછી સોફાની ઉપરની આખી ધાર ચેક કરો અને છેલ્લે આપણાં ઘરની બહારની બાલ્કની પર જોજો.

ધાબા ની ટાંકી નો કોક ધાબા પર નહીં નીચે રસોડાના બારણાં પાછળ છે, ટાંકી છલકાઈ ને ઉભરાઇ જાય તો ઉપર દોટ ન મૂકતાં….

દાઢી કરવાની ટ્યૂબ હમેંશા તમારા શેવિંગ કરવાના પાઉચમાં જ મુકજો, ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ મૂકીએ છીએ એ પ્લાસ્ટિકના નાના બાસ્કેટ માં નહીં…

મારો નંબર તમારા મોબાઇલ માં પરી ના નામે સેવ કર્યો છે એટલે નિર્મિકાના નામે નામે શોધતા નહીં અને તોય મારો નંબર મેં રસોડા માં લગાવેલા કેલેંડર પર મોટા અક્ષરે લખ્યો છે. તમારી અને મમ્મી ની યાદ આવશે એટલે તમારી જાણ બહાર હું આપના લગ્ન નું આલ્બમ લઈ જાઉં છું.

અને હા પપ્પા કાલ થી રસોડા માં રસોઈ બનાવવા હું નહીં હોંઉ, તમને જે આવડે એ થોડું થોડું બનાવી લેજો. રસોડા ના મસાલિયામાં મે અજમાની ડબ્બીમાં અજમો અને જીરાની ડબ્બી જીરું લખેલી ચબરખી મૂકી છે. એવું જ મીઠા ની અને સોડા ની બરણી ઓ માં પણ કર્યું છે.

મારી આંખો માં સમાય એટલી બધી જ યાદો અને પપ્પા તમારા સાથે વિતાવેલી એક એક પળ ને અને નાનપણ માં તમારા ગાલ પર મેં વ્હાલપૂર્વક આપેલી એક એક પપ્પીની યાદો ને મનમાં ભરી ને લઈ જાઉં છું. તમારી યાદ આવશે પપ્પા…..

લવ યૂ પપ્પા
તમારી લાડલી પરી……

શર્વિલ ચિઠ્ઠી પૂરી કરતાં જ લાગણીશીલ બની ગયો. દરરોજ ટિફિન આપતી વખતે નિર્મિકા ની આંખોમાં રહેલા ગૂઢ આવરણ પાછળ પોતાના પપ્પા ની ચિંતા ને આજે શર્વિલે કળી લીધી હતી.

* * * *

ડોરબેલ વાગતાં જ નિર્મિકા એ દરવાજો ખોલ્યો અને ખોલતાં જ શર્વિલ ને જોઈ ને ખુશ થતાં થતાં કહ્યું “ પપ્પા ને મળ્યા શર્વિલ? એ મજા માં તો છે ને?”

હજુ શર્વિલ કઈં જવાબ આપે એ પહેલાં એના હાથ માં રહેલી બેગ ને જોતાં જ નિર્મિકા એ આશ્ચર્યપૂર્વક ફરી પાછી સવાલો ની ઝડી વર્ષાવી “ આ બેગ કોની છે? કોઈ મહેમાન આવ્યું આપણાં ઘરે?”

શર્વિલે બેગ નીચે મૂકી નિર્મિકા ના ગાલ પર પ્રેમપૂર્વક હાથ ફેરવી જવાબ આપ્યો. “ માફ કરજે, તારી આંખો ને કળતાં સહેજ મોડુ થયું, પગલી પ્રેમ કરું છું તને, એકવાર પણ કહ્યું હોત…. જો કોણ આવ્યું આપણાં ઘરે, હવે એ મહેમાન બની ને નહીં પણ સદાય આપણાં સાથે જ રહેશે.”

નિર્મિકા એ જોયું તો એના પપ્પા સીડીઓ ચડી ને આવી રહ્યા હતાં. નિર્મિકા શર્વિલ ને ભેટી પડી. કોઈ સંવાદ ના કરી શકી પણ આંખો માં આવેલા આંસુઓ સઘળું વ્યક્ત કરતાં હતાં.

પપ્પા ને આવતાં જ નિર્મિકા ભેટી પડી. શર્વિલ વિયોગ બાદ આજે રચાયેલા પિતા-પુત્રી ના મિલન ના સુખદ સંયોગ ને લાગણીશીલ બની નીરખી રહ્યો હતો.