11 March 2017

આ કોઈ નકારાત્મકતા નથી.

માર્ચ માસથી શહેરોના હોર્ડિંગ્સ ઉપર “ખાનગી શાળા” ની જાહેરાતોની વસંત ખીલશે. ”હનીમૂન” અને “હનુમાન” શબ્દ વચ્ચેનો ભેદ ન પારખી શકનારા સંચાલકો જાહેર ખબરો માટે નાણાં કોથળી છૂટી મૂકી દેશે.

પ્રોફેશનલ્સ કેમેરામેનો પાસે સ્ટુડિયોમાં બાળકોને ગોઠવી નાઈસ નાઈસ ઈમેજીસ બનાવી છટકા ગોઠવશે.

જાહેરાતમાં બધું જ લખશે, સિવાય કે “ફીની વિગત”
મગજને લીલુંછમ કરી, હ્રદયને ઉજ્જડ બનાવી દેતી કેટલીક સ્કૂલો છે !

વેદના તો જુઓ, બાળકની છાતીએ આઈકાર્ડ લટકે છે પણ તેની પોતાની “ ઓળખ” ગુમાવી ચૂક્યો છે. તે સ્ટુડન્ટ નથી રહ્યો, રનર બની ગયો છે, રનર.

“લીટલ યુસેન બોલ્ટ” ઓફ એજ્યુકેશન સિસ્ટમ્સ. ૧૫ કી.મી.નું અપડાઉન કરીને થાકી જતાં વડીલો બાળકને ઘરથી ૨૦ કી.મી. દૂરની શાળામાં ભણવા મોકલે છે !

પેલા પાંડવોને મૂર્છીત કરી દેનાર યક્ષને કહો કે આને પૃથ્વી પરનું સૌથી મોટું આશ્ચર્ય કહેવાય ! વળી, પેલા જાહેરાતના બોર્ડ પર પણ ક્યાં લખે છે કે દફતરનું વજન કેટલાં કિલો હશે ???

ગુજરાતનો એક સર્વે કહે છે કે, શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં પ્રતિ બાળક ભણાવવાના ખર્ચમાં ૧૫૦% નો વધારો થયો છે.

દેશના મધ્યમ વર્ગમાં “નસબંધી” કરતાં “શિક્ષણખર્ચ” ના કારણે વસ્તી વધારાનો દર ઘટ્યો છે !!!
ગુજરાતની કહેવાતી ઈન્ટરનેશનલ શાળામાં “રિબોક”ના શૂઝ કમ્પલસરી છે. કિંમત માત્ર ૩૫૦૦=૦૦ રૂ. (આપણી સરકારી શાળાઓમાં દાતાશ્રીએ બાળકોને ચંપલો આપ્યાના ન્યૂઝ પેપરોમાં આવે છે)

નાસ્તામાં રોજ શું લાવવું તેનું મેનુ શાળા નક્કી કરે છે. અઠવાડિયાના અમુક દિવસ માટે જુદાં-જુદાં રંગ/ડીઝાઈનના યુનિફોર્મ નક્કી કર્યા છે.

વિદ્યાર્થીઓની પરીક્ષા લઈને જ એડમિશન આપવામાં આવે છે.
ઈન શોર્ટ એટલું જ કે “આર્થિક રીતે નબળા” અને “માનસિક રીતે નબળા” માટે આ શાળાઓ નથી.

ખાનગી શાળામાં ભણતા બાળકોની માતાશ્રીઓ બાળકને મળતા હોમવર્કના પ્રમાણમાપને આધારે “આજે રસોઈમાં ફલાણી વસ્તુ જ બનશે” એમ જાહેર કરે છે. લેશન વધારે હોય તો “એક ડીશ બટાકાપૌંઆ” અને લેશન ઓછું હોય તો “દાળ-ભાત, શાક, રોટલી અનલિમિટેડ” મળે છે !!

આખા ઘરના મેનેજમેન્ટનું કેંદ્રબિંદુ સ્કૂલ બની ગઈ છે.
એ દિવસ પણ દૂર નથી કે પ્રાથમિક શિક્ષણની ફી ભરવા માટે વાલીઓએ જી.પી.ફંડ ઉપાડવા પડશે. હાલ માત્ર ઉચ્ચ શિક્ષણ માટે લોન આપતી બેંકો પ્રાથમિક શિક્ષણ માટેની ફી ભરવાય લોનો આપશે.

પેલી જાહેરાતોમાં પાછું લખશે કે અમારે ફલાણી-ઢીંકણી બેંક સાથે ટાઈ-અપ છે, લોન પેપર ઉપલબ્ધ છે. બાળકના દફતર પર લખેલું જોવા મળશે “ બેંક ના સહયોગથી”
બીજી એક ખોડ છે, તેઓની શિક્ષણ પધ્ધતિ. એક “છત્રપતિ શિવાજી” નો પાઠ હોય અને બીજો “અમેરિકા ખંડ” નામનો પાઠ હોય. જે પાઠમાંથી પરીક્ષામાં વધારે ગુણનું પૂછાવાનું હોય તેના આધારે જે-તે પાઠને મહત્વ આપવામાં આવે છે. “છત્રપતિ શિવાજી” ના કોઈ ગુણ બાળકમાં ન આવે તો ચાલશે ,વાર્ષિક પરીક્ષામાં ગુણ આવવા જોઈએ.
ચાલો, છેલ્લે છેલ્લે ઈન્ટરનેશનલ લેવલે પણ આપણી શિક્ષણની ગરીબાઈ જોઈ લઈએ.

ભારતમાં પાંચ-છ આંકડામાં ફી લઈને ઉચ્ચ ક્વોલિટીના શિક્ષણની વાતો કરનાર એક પણ સ્કૂલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ૫૦૦ માં પણ નથી. માત્ર ૧૩/૧૪ વર્ષની કાચી ઉંમરે આત્મહત્યા કરતા બાળકો સમાજને દેખાય છે ? આ આત્મહત્યા પાછળની તેની વેદના સમજાય છે ?
મારી વાત સાથે કોઈ સંમત થાય કે ન થાય એ અલગ વાત છે પણ હું “પ્રામાણિક અભણ મજૂર” અને “અપ્રામાણિક સાક્ષર અધિકારી” માં પ્રથમ વિકલ્પને પસંદ કરીશ.

જો નજરમાં દમ હશે તો થાંભલા અને પેન્સિલ વચ્ચેનો આ તફાવત સમજાઈ જશે.
આ કોઈ નકારાત્મકતા નથી. ઘણી સારી શાળાઓ છે જ. આ તો એવી શાળાઓની વાત હતી જે સરસ્વતી માતાની છબી ઓથે “વ્યાપાર” કરે છે !!!

તેના શિક્ષકોની લાયકાત તથા ચૂકવતા પગાર  ની હજુ વાત કરવી નથી.. !!!!