11 March 2017

એક સમજવા જેવી વાર્તા.

એક સમજવા જેવી વાર્તા.

બાપુજી પોતાની પતરાની પેટીમાં ધીમે ધીમે સમાન ભરી રહ્યા હતા. ઘર માં આજે અજીબ સન્નાટો હતો. મારી એમને મદદ કરવાની જરા પણ હિંમત નહોતી ચાલી રહી. જીયા રસોડામાં સવારનો ચા અને નાસ્તો બનાવી રહી હતી. મારી અને બાપુજીની આંખ જોઈને કોઈ પણ કહી શકે કે અમારા બંનેમાંથી રાત્રે કોઈ નહોતું સુઈ શક્યું. નિર્ણય મારોજ હતો અને હું બહુ મોટી ભૂલ કરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. બાપુજીએ મારી સામે જોયું અને મારુ દર્દ કળી ગયા હોય એમ કહ્યું કે દીકરા આ સારુંજ છે ને, હું મારી ઉંમરના મિત્રો સાથે રહીશ, ત્યાં મારુ ધ્યાન રાખવા વાળા પણ ઘણા હશે, તારી ચિંતા થોડી ઓછી થશે, તે મારા માટે કેટલું કર્યું છે, હવે તું તારી જિંદગી જીવ એમ કહેતા કહેતા એની આંખમાં થી એક ડૂસકું લેવાઈ ગયું. મારા માટે ત્યાં ઉભું રહેવું ભારે પડી રહ્યું હતું માટે હું બહાર નીકળવા લાગ્યો ત્યાં પિતાજીએ કહ્યું બેટા તારી બા નો ફોટો જરા ઉતારી દે ને, હું લઇ જાવા માંગુ છું. ફોટો ઉતારતી વખતે હું બાની આંખોમાં આંખો નો મેળવી શક્યો. હું જાણે મારીજ નજરમાંથી ઉતરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. છેલ્લી ઘડીએ બા બાપુજીનું ધ્યાન રાખજે એટલુંજ માંગીને ગઈ હતી અને એમાં હું પાછળ પડી રહ્યો હતો. બાપીજીએ એની જિંદગી દરમ્યાન મારી પાછળ ઘણો ભોગ આપ્યો હતો. મને ભણાવવા માટે ગામમાં જમીન ગીરવે મૂકી હતી, બાના ઘરેણાં પણ વેંચી નાખ્યા હતા. મેં શહેરમાં ફ્લેટ લીધો ત્યારે મેં જીદ કરીને ગામડાની બધીજ પ્રોપર્ટી વેંચાવી નાંખી હતી પરંતુ આજે એનાજ ઘરમાંથી હું એને બે દખલ કરી રહ્યો હતો. જિયા થોડીક મોર્ડન ખ્યાલની હતી. અમારી ઓળખાણ કોલેજ દરમ્યાન થઇ હતી. બા બાપુજી શરૂઆતમાં અમારા સંબંધોની વિરુદ્ધ હતા પરંતુ હું એકનો એક હોવાથી એને માનવું પડ્યું હતું.
બા અને બાપુજી થોડા જુનવાણી વિચારોના હોવાથી જિયા સાથે ક્યારેક નાના નાના મતભેદ થતા હતા જેથી જિયાના મનમાં પણ બા અને બાપુજી પ્રત્યે થોડી કડવાશ હોય એવું મને લાગતું હતું. બાના ગયા બાદ બાપુજી ઘણા એકલા પડીગયા હતા. હું અને જિયા આ કારણે અમારા દીકરા સાથે લોન્ગ વેકેશનમાં જઈ શકતા નહતા. ઘણી વાર સાંજે પાર્ટીમાં બહાર ફરવા જતા પહેલા બાપુજીની વ્યવસ્થા કરવી પડતી જે જિયાને થોડું નડતર રૂપ લાગતું. એનેજ મારા મનમાં બાપુજીને વૃધ્ધાશ્રમ માં મુકવાનો વિચાર ભર્યો હતો અને મને કન્વીન્સ કર્યો હતો કે બાપુજીને નહિ ફાવે તો આપણે એકાદ મહિનામાં પાછા લઈ આવશું. હું વિચારોમાં ખોવાયેલો હતો ત્યાંજ ફોનની રિંગ વગડી. મારા સાળાનો ફોન હતો. મેં ફોન ઉપાડતા સામેથી એણે કહ્યું કે મારા સસરા જિયાના પિતા મારી અને જિયા સાથે વાત કરવા માંગે છે. મેં એમને ફોન આપવા કહ્યું. હું અત્યારે કોઈ વધારે વાત કરવાના મૂડમાં નહતો એટલે મોટેભાગે ચૂપ રહેવાનું નક્કી કર્યું હતું. એણે વાત શરૂ કરી. કેમ છો દીકરા, સારું છે ને, તમારા બંનેની બહુ યાદ આવી રહી હતી. વસંતલાલની તબિયત કેમ છે, સારીજ હશે. આજકાલ મને ઘરમાં બહુ એકલું એકલું લાગે છે તો દીકરા અને વહુએ સલાહ આપી કે મારે મારી ઉંમરના મિત્રો સાથે સમય વિતાવવો જોઈએ. સારુંજ છે ને, મારા કારણે બિચારા ક્યાંય જઈ આવી શકતા નથી, બોલતા બોલતા એમનાથી રોવાઈ ગયું. મને પણ સમજતા વાર ન લાગી કે શું બાબત છે પણ હું એમને કોઈ આશ્વાશન આપી શકવાની સ્થિતિમાં ન હતો. મેં જિયાને બોલાવીને એને ફોન આપી દીધો, એમના પિતાનો ફોન આવ્યો હોવાથી એ ખૂબ ખુશ હતી પરંતુ 2જ મિનિટમાં એના ચહેરાના રંગ ઉડી ગયો. એ સામો કોઈ જવાબ આપી નહોતી શકતી જે હું બરોબર સમજી શકતો હતો. છેલ્લે એને માત્ર એટલુ કહ્યું કે હું ભાઈ સાથે કાલે વાત કરીશ આ બાબતમાં. ફોન પત્યા પછી એણે સજળ નેત્રે મારી સામે જોયું અને ફોન ટેબલ પરજ મૂકીને બાપુજીના રૂમમાં ગઈ. હું પણ પાછળ પાછળ ગયો. એણે બાપુજીને કહ્યું, બાપુજી રાત્રે રસોઈમાં શુ બનાવું? બાપુજીએ આઘાત સાથે એની સામે જોયું અને પૂછ્યું આજે નથી જવાનું? જિયાએ કહ્યું ના અને ક્યારેય નથી જવાનું. બાપુજીના ચહેરા ઉપર આઘાત અને આનંદની મિશ્રિત લાગણીઓ હું જોઈ રહ્યો હતો. હું પણ મારા આંસુ ન રોકી શક્યો. રૂમમાં એક અજબની શાંતિ હતી. મેં શાંતિનો ભંગ કરતા બોલ્યો કે લાપસી બનાવો, બા હંમેશા સારા પ્રસંગે બનાવતી. જિયા હસતા હસતા રસોડામાં ચાલી ગઈ. મેં પણ એક સ્મિત સાથે અને બાની આંખમાં જોઈને એમનો ફોટો પાછો ટાંગી દીધો. ફોટામાં બા મને આ વખતે ખુશ જણાતાં હતા. બાપુજી બમણી ઝડપથી પેટીમાંથી સમાન કાઢી રહ્યા હતા.