7 March 2017

તો સિંહ અને શિયાળમાં શો ફેર?

તો સિંહ અને શિયાળમાં શો ફેર?

રસ્તેથી પસાર થતા બે-ત્રણ ભણેલા ગણેલા માણસોને એક વૃદ્ધે કહ્યું: ‘જરા મદદ કરશો? પેલા ત્રણ ગુંડાઓ મારો અને મારી જવાનજોધ પુત્રીનો પીછો કરી રહ્યા છે. લગ મળતા તેઓ મારી પુત્રીની છેડતી ને ફજેતી કરવામાં કશું બાકી નહીં રાખે ….. તમે અમારી સાથે રહો તો એ બદમાશોનું સાહસ તૂટી જશે.’

એજ સમયે બસ સ્ટેન્ડે મેલાં-ઘેલાં કપડાં પહેરેલો એક ગામડિયો પણ ઉભો હતો. તેને કાને આ વૃદ્ધના શબ્દો પડ્યા! પણ શહેરી ‘બાબુઓ’ કેવીક મર્દાનગી દેખાડે છે, તેનો તાલ જોવાનું એને કુતુહલ થયું….

ગુંડાઓ વિશેના શબ્દો સાંભળી પેલા ‘શિક્ષિત’ માણસોએ ઉતાવળે ચાલતાં-ચાલતાં કહ્યું: ‘અમે ગુંડા સાથે મારા મારી કરીએ એ અમને ન શોભે. ગુંડાઓ પજવવા આવે ત્યારે બુમરાણ મચાવશો તો લોકો ભેગા થઇ જશે અને તમને મદદ મળી જશે.’

અને તેઓ ચાલ્યા ગયા. પેલા ગામડિયાએ કહ્યું: ‘માટી પગાઓ! ધિક્કાર છે તમારા ભણતરને! આવા તકલાદી ભણેલાઓ દેશને શું કામ આવવાના હતા!’

એટલામાં પેલા ગુંડાઓ નજીક આવી પહોચ્યા. વૃદ્ધ લાચાર બની ગયો.પણ પેલા ગામડિયાને શુરાતન ચઢ્યું. પોતાના હાથમાંથી છત્રી વીંઝતો એ આગળ વધ્યો અને ગુંડાઓને પડકારતાં કહ્યું: ‘બાયલાઓ! એક ઘરડા માણસને શું કામ પજવો છો. તાકાત હોય તો આવો મારી સામે’ અને આગળના બે ગુંડાઓ ભાગવા લાગ્યા. માર ખાનારા ગુંડા પણ ભાગી ગયા. એ ગામડિયાએ રીક્ષા ઉભી રાખી પેલા વૃદ્ધ અને તેમની દીકરીને સલામત રીતે રીક્ષામાં બેસાડી વિદાય કર્યા.

જેમ-જેમ સભ્યતાનો વિકાસ થાય છે, તેમ-તેમ માણસમાં હિંમત, બહાદૂરી, નિર્ભયતા અને સાહસિકતાનો પણ વિકાસ થયો જોઈએ, કારણ કે કોઈ પણ સંસ્કૃતિ કે સભ્યતા, દેશ કે પ્રજાજનો ભયના સમુદ્રના મુસાફર બની કોઈ પણ બંદરે પહોચી શકે નહીં.

કોઈ પણ નવું કાર્ય, નવું પ્રસ્થાન, નવો પ્રકલ્પ શરુ કરવા માટે મૂડીથી પણ વધુ મહત્વની વસ્તુ હિંમત અને સાહસિકતા છે. અથર્વવેદમાં એટલે જ નિર્ભયતાનું યશોગાન કરતાં કહેવામાં આવ્યું છે. ‘ જેમ ભૂત અને ભવિષ્યકાળથી નથી ભયભીત થતા કે નથી વિશિષ્ટ થતા, તેમ હે મારા પ્રાણ, તું ભયભીત ન થઈશ. હું મિત્રથી ભયમુક્ત છું, હું શત્રુથી અભય છું. હું જ્ઞાનથી અભય રહું છું. મારી રાત્રીઓ નિર્ભય રહે. મારા દિવસો બીર્ભય બને. સર્વ દિશાઓ મારી મિત્ર બને.’

માણસ ગમે તે કાર્ય કરે, નિંદા, ઉપહાસ અને નિષ્ફળતાનો ભય તેનો પીછો કરવાના જ. વાલ્મીકી હોય કે વ્યાસ, શેક્સપીયર હોય કે કાલિદાસ, ગાંધી હોય કે ડો. આંબેડકર – દરેક મહાન માણસમાંથી દોષોની યાદી તૈયાર કરવા તત્પર લોકો સદાય જોવા મળવાના જ.

પોતાની ગરીબીમાં પણ ગરીબ ન દેખાવા માટે હિંમત જોઈએ. પ્રમાણિકતાપૂર્વકની નિર્ધનતા વેઠવા પણ હિંમત જોઈએ. જમાનાની સામે થવા પણ હિંમત જોઈએ અને કોઈ ઉદાત ધ્યેય માટે જૂના ચીલાને અલવિદા કહીને નવી કેડી કંડારવા માટે પણ હિંમત જોઈએ.

મોટે ભાગે વડીલ પેઢી નાનેરાઓને અનાવશ્યક સાહસથી અલિપ્ત રહેવાનો પેગામ આપતી જ હોય છે. શાળાઓ પણ બાળકને જાતજાતના નિયમો યંત્રવત પળાવીને તેની સાહસિકતાને અવરોધતી હોય છે. સ્પર્ધામાં પ્રથમ આવનાર બાળક પ્રથમ પંક્તિનું બાળક બને એમાં શાળાની ભૂમિકા અગ્રેસર રહેવી જોઈએ. હિંમત અને નિર્ભયતાનું મહત્વ વર્ણવતા સરદાર વલ્લભભાઈ જવાનોને કહેતા: ‘ આ શરીર માટીનું બનેલું છે અને માટીના પૂતળાની જેમ તૂટી જવાનું છે. લાઠીઓથી માથાના ટુકડા થઇ જશે, પણ દિલના ટુકડા થશે નહીં. આત્માને નથી અસર થતી ગાળની કે તેને નથી મારી શકતી લાઠી. દિલની અંદર કોઈ અસલી વસ્તુ હોય તો તે આત્મા, જેને કોઈ હથિયાર સ્પર્શી શકતું નથી.’

આપણે જાતના ભય કરતા પણ વધારે ભય જગનો રાખીએ છીએ. લોકનિંદાનો ભય એ કાયરો પેદા કરવાનું કારખાનું છે. શિક્ષિત માણસ નથી સહન કરી શકતો લોકનિંદા કે નથી દેખાડી શકતો પોતે જેવો છે તેવો દર્શાવવાની હિંમત! પરિણામે નથી તે જાતને ઉજાળી શકતો કે નથી જગતનું અંધારું દૂર કરી શકતો…. ક્યાં પ્રામાણિક પુરુષને જગતે પોતાના નીન્દારુપી શસ્ત્રથી ઘાયલ કરવાનો પ્રયત્ન નથી કર્યો? અણનમ રીતે એકલા ઉભા રહેવાનું આત્મબળ અને હિંમત જ સાચી સાક્ષરતા છે, બાકી બધી નિરક્ષરતા. ભસતા શ્વાનોના ડરથી પોતાની શાન ભૂલે છે, તો સિંહ અને શિયાળમાં ફેર શો રહે?

આ દુનિયાને બદલવામાં કે પોતાના જીવનની તસવીરને નવું કલેવર આપવામાં સત્યનિષ્ઠ હિંમતબાજ માણસોની જ ભૂમિકા મહત્વની રહી છે.

આપણે આઝાદી ઈચ્છીએ છીએ: વાણી, વર્તન, આચરણ, રીતભાત વગેરેની, પણ બીજાની એ પ્રકારની આઝાદી સુરક્ષિત રહે એમાં આપણને ભાગ્યે જ રસ હોય છે. ટકટક અને ટીકાને માણસ પોતાનો જન્મસિદ્ધ અધિકાર માની તેનો વટભેર છૂટથી ઉપયોગ કરે છે.એટલે સરવાળે સમાજમાં આઝાદીનું વાતાવરણ સર્જાવાને બદલે લોક્ભયનું ગુલામીભર્યું વાતાવરણ જ સર્જાય છે.નવા પ્રયોગો માટે માણસને નવી આબોહવા પૂરી પાડવામાં આ જગત હંમેશા બોદુ જ રહ્યું છે. ભયગ્રસ્ત વાતારણમાં નિર્ભય નેતૃત્વને બદલે નફફટ નેતૃત્વ જ પ્રગટે. સત્ય ખાતર જગનિંદાની ઉપેક્ષા કરવી એ એક વાત છે અને સ્વાર્થ ખાતર નિર્લજ બની લોક્ભાવનાને ઠોકર મારવાની નિર્ભયતા દાખવવી એ બીજી બાબત છે.

જવાબદારી અને જોખમ ઉઠાવવાની હિંમત જ માણસના વ્યક્તિત્વની સૌથી મોટી સિદ્ધિ છે. જોશબંધ ધબકતી નાડી એ માણસની મોંઘેરી સંપતિ છે. જે માણસ પોતાને વિષે ‘બાપડો’ અને ‘બિચારો’ શબ્દ સાંભળવાનું પસંદ કરે છે, એના જેવો નામર્દ બીજો કોઈ નથી! દુઃખની પળોમાં માણસની રહી-સહી હિંમતને હોઠેથી વહેતા ‘દયા’ અને ‘આશ્વાસન’ ના શબ્દો દ્વારા નષ્ટ કરવી એ પણ એક મહાપાપ છે, જે આપણે જાણે-અજાણે કરતાં હોઈએ છીએ. દિલ વગરનો દિલાસો એ વંધ્ય શિષ્ટાચાર છે. એનાથી કશું વળતું નથી.

બ્રેનોને રોમમાં જીવતો જાળવી દેવાની સજા ફરમાવવામાં આવી ત્યારે એણે હસતા-હસતા ન્યાયાધીશને કહ્યું હતું: ‘નામદાર જજ સાહેબ, મને સજા સંભાળતા જેટલો ભય લાગે છે એના કરતા વધુ ભય તો તમને સજા સંભળાવતા લાગે છે.’ બ્રેનોની હિંમત અને નિર્ભયતા જોઈ જજ દંગ રહી ગયા અને મનોમન તેને વંદન કર્યા.

એવો જ કિસ્સો ગુરુ ગોવિંદસિંહજીના પુત્રોનો છે. ધર્માંધ કાજીએ વિધર્મ નહીં સ્વીકારવાનો ફરેબી આરોપ મૂકી ન્યાયનું નાટક રચી એમને ભીંતમાં ચણી દેવાની સજા ફરમાવી હતી. કાજીએ તેમને અંતિમ વાર પૂછ્યું હતું: ‘હજી પણ ધર્માંતરની અમારી વાત માનો અને લહેર કરો..’ પણ એ બહાદુર પુત્રોએ ‘સિર દિયા પર સી ન કિયા’ – અને ધર્મને ખાતર પ્રાણનું બલિદાન આપતા સિસકારો સરખો પણ ન કર્યો. માણસને પોતાની કાયરતાની હદ બાંધતા આવડે છે પણ બહાદ્દૂરીની હદ વિષે વિચારવાની તો તે હિંમત જ નથી કરતો. બહાદૂરીથી બહુ દૂર રહેનારાઓએ જ આ જગતની નિર્માલ્યતામાં વધારો કર્યો છે. તનથી મજબૂત પણ ઇચ્છાથી માયકાંગલા લોકો ધરતી પર કેવળ બોજ છે. નથી એ જાતને ખપના કે નથી એ જગતને ઉપયોગી. હિંમતના બીજ વવાતા નથી માટે જ વિશ્વમાં ભયના રણ વિસ્તરી રહ્યા છે.