23 February 2018

તમારી પાસેથી એક જ અપેક્ષા રાખે છે, તમારો પૂરતો ટેકો, તમારી લાગણીઓ અને સૌથી વધુ તો તમારી સમજદારી, એટલે કે તમારો પ્રેમ.

કાલે તમને કદાચ નોકરી કરતી એક સ્ત્રી મળશે, પણ જરા, આટલી વાતો ધ્યાનમાં રાખીને એને પરણજો. આ એક એવી યુવતી છે, જે તમારા જેટલું જ ભણેલી છે, અને લગભગ તમારા જેટલું જ કમાય છે. એને પણ તમારાં જેવાં જ સપનાં-આકાંક્ષાઓછે, કારણ, એ પણ તમારા જેવી જ ‘મનુષ્ય’ છે. એણે પણ તમારી કે તમારી બહેનની જેમ જ રસોડામાં કદી પ્રવેશ નહોતો કર્યો, કેમ કે એ પણ ભણવામાં વ્યસ્ત હતી. એક એવી ‘સિસ્ટમ’ સાથે એ લડી રહી હતી, જે ઘરકામની આવડત ધરાવતી છોકરીઓને કોઈ વિશિષ્ટ સવલતો આપતી નથી. એણે પણ પોતાનાં માબાપ તથા ભાઈબહેનોને જીવનનાં 20-25 વર્ષો સુધી એટલો જ પ્રેમ કર્યો છે, જેટલો તમે તમારા કુટુંબીઓને કરો છો. આ એ સ્ત્રી છે, જે પોતાનું ઘર, પોતાનાં સ્વજનો, બધાને બહાદુરીપૂર્વક છોડીને તમારું ઘર, તમારું કુટુંબ, તમારી જીવનશૈલી, અરે, તમારી અટક સુદ્ધાં અપનાવવા તૈયાર થઈ છે. પ્રથમ દિવસથી જ, એ રસોઈમાં પારંગત હોવાનું ધારી લઈ, નવી પરિસ્થિતિ, વાતાવરણ અને રસોડાની અંદરની એની કપરી અવસ્થા વિશે અજાણ રહી તમે આરામ ફરમાવો છો. એ યુવતી કે જેની પાસેથી અપેક્ષા રખાય છે કે સવારે પહેલું કામ એ ચા બનાવવાનું કરે ને દિવસને અંતે પણ રાંધી શકે. એ કદાચ તમારા જેટલી જ કે એથીય વધુ થાકેલી હોય, ને છતાંય – એક નોકર, એક રસોઈયણ, એક મા, એક પત્ની – આ બધાં પાત્રો ભજવવા સામે એ ફરિયાદ ન કરે, એવી આશા રખાય તમે એની પાસેથી શું ઈચ્છો છો, એ વાત-તમારી જેમ જ-એ પણ જાણતાં શીખી રહી છે. એ જાણે છે કે એની બહુ માગણીઓ તમને સ્વીકાર્ય નહીં હોય, તમારાથી ઝડપથી એ કંઈ શીખશે એ પણ તમને નહીં ગમે. એને પણ પોતાનું મિત્ર-વર્તુળ છે, જેમાં છોકરાઓ પણ છે, અને કામને સ્થળે પુરુષો પણ છે. એ મિત્રોને એ નાનપણથી જાણે છે, છતાં એ સૌને એ પાછળની બાજુ રાખવા ઈચ્છે છે, જેથી તમારી તર્કહીન અદેખાઈ, બિનજરૂરી હરીફાઈ અને તમારી અંદર છુપાયેલી અસલામતી છંછેડાય નહીં. હા, એ પણ તમારી જેમ જ મિત્રો વચ્ચે નાચી-ગાઈ શકે છે, પણ તે એમ કરશે નહિ – ખુદ તમે કહેશો તો પણ નહિ, કેમ કે તમને જ નહિ ગમે. કામના સ્થળે કોઈ વાર સમયમર્યાદામાં કામ પતાવતાં એને પણ તમારી જેમ મોડું થઈ શકે છે. એના જીવનના, તમારી સાથેના આ સૌથી વધુ અગત્યના સંબંધને સફળ બનાવવા એ ઉત્તમ પ્રયત્નો કરે છે. બસ, જો તમે એનામાં વિશ્વાસ મૂકો, એને થોડી મદદ કરો તો તમારા આખા ઘરમાં તમને એકને જ એ ઓળખતી હોઈ, તમારી પાસેથી એક જ અપેક્ષા રાખે છે, તમારો પૂરતો ટેકો, તમારી લાગણીઓ અને સૌથી વધુ તો તમારી સમજદારી, એટલે કે તમારો પ્રેમ.