7 May 2018

સાલું ઠંડક તો મળે છે અત્યારે, પણ ટાઢક નથી મળતી.....

યાદ છે બરાબર, ધાબા પર સાંજથી ગાદલાંઓ પથરાઈ જતા, રાતે સૂતી વખતે કોની પથારી ઠંડી છે એની ખાતરી પથારીમાં આળોટીને કરતા.

મા પાણીની ઢોચકી મૂકવા માટે વારંવાર યાદ કરાવતી. ધાબા પર મૂકેલી એ પાણીની ઢોચકી અડધી રાતે ફ્રીઝની ગરજ સારતી.

બરફ્ગોળો ખાવા જવા માટે ખાસ કાર્યક્રમ ઘડાતો ને એક જ ગોળા પર ચાર પાંચ વાર મસાલો છંટાવીને, જીભ કેસરી થઇ છે કે નહિ એ જોઈ કરીને પછી પાછા આવતા.

ઘરે સંચાનો આઈસ્ક્રીમ બનાવવા માટે પહેલેથી તારીખ નક્કી થતી, મોટા ભાગે તો ફોઈ આવે પછી કે પછી છોકરાંઓનું પરિણામ આવી જાય પછી બનતો આઈસ્ક્રીમ. સવારથી આસપાસ ગોઠવાઈ જતાં ને સંચો જરાક જેટલો ઉઘાડીને કેવોક આઈસ્ક્રીમ બનશે એની ગંભીરતાપૂર્વક જાહેરાત મોટેરાઓ કરતા.

ઘરે આઈસબોક્સમાં ભરેલો બરફ રાત પડતાં ખલાસ થઇ જતો ને કોકને ત્યાંથી બરફની ટ્રે મળી જાય તો કુબેરના ભંડાર મળ્યા જેટલો આનંદ થતો.

રાત પડ્યે ઢગલાબાજી ને ચારસોવીસની રમત મંડાતી, ભારોભાર જૂઠું બોલીને જીતી જવાતું પત્તાની એ રમતમાં તે કોઈ વડીલ સૂઈ જાઓ એમ ધમકાવે ત્યારે પૂરી થતી.

સવારે કોયલના ટહુકારે ઉઠી જવાતું તો ય માથે મોઢે ઓઢીને સૂરજનાં અણિયાળા કિરણો આંખમાં ન ભોંકાય ત્યાં સુધી પથારીમાં આળોટતા રહેતા.

એફ બી આઈના સભ્યો જેટલી જ ગંભીરતાથી તપાસ કરતાં કે કોના ઘરે રાયણ પાકી છે ને કોના ઘરે શેતૂર. બપોરે ટોળી નીકળી પડતી ચોરી કરવા. ચોરીનો એ માલ ઈમાનદારીથી વહેચી લેવાતો.

આઈસપાઈસની ચાલુ રમતમાં ઘરે જઈને જમી અવાતું ને આંધળોપાટો રમતી વખતે પાટો ઉંચો કરીને જોઈ લેવાની અંચાઈ પણ કરી લેવાતી.

પેટભરીને ઝગડી લેવાતું ને તરત જ કેરીના ચિરીયાઓ પર સુલેહ પણ થઇ જતી.

ગુલમહોરના ફૂલોમાં રાજા અને રાણી ખબર હોય તો બહુ જ્ઞાન હોવાનું અભિમાન લઇ શકાતું ને ગોરસઆંબલીનો બિયો કથ્થઈ ફોલી શકાય તો બાકી છોકરાંઓમાં આવડતના બણગા ફૂંકી શકાતાં.

રાતના ધાબા પર સપ્તર્ષિના તારાઓ તરફ મીટ માંડતા માંડતા ઠંડા પવન વચ્ચે આંખો મીંચાઈ જતી અને એક જ ઊંઘે સવાર પડી જતી.

ગરમીનાં એ દિવસોની કેટલી રાહ રહેતી બાળપણમાં !!!

આજે દિવસમાં કઈ કેટલીયે વાર કેટલી ગરમી છે એમ બબડી લઈએ છીએ ને ગરમીને હરાવવામાં લાગી જઈએ છીએ. મિનરલ વોટરનો ગોળો ક્યાં મળે છે એની તપાસ કરીએ છીએ. ઠંડો કેરીનો રસ ખાઈએ છીએ, ફોન બંધ કરી રૂમમાં અંધારું કરી એસી ચાલુ કરીને સૂઈ જઈએ છીએ, હિલ સ્ટેશન પર જવાના કાર્યક્રમો બનાવીએ છીએ, વોટર પાર્કમાં ભીડ જમાવીએ છીએ ને નારિયેળનું પાણી પણ ચિલ્ડ હોય એવો આગ્રહ રાખીએ છીએ.

સાલું ઠંડક તો મળે છે અત્યારે, પણ ટાઢક નથી મળતી..........