15 August 2018

આઝાદ દિનની આગલી રાત્રે કરેલ મંથન

આઝાદ દિનની આગલી રાત્રે કરેલ મંથન

ધ્વજ વંદન માટે આઝાદીના આરાધકો ભેગા થયા છીએ ત્યારે ખૂબ આનંદની અનુભૂતિ થઈ રહી છે.
નાના ભૂલકાઓ અને ગ્રામજનોના મુખ પર એક અનોખી આભા અનુભવાઇ રહી છે.
સમગ્ર વિશ્વને અહિંસાનો પાઠ ભણાવનાર ગાંધીજી બાપુ ,
ભારતના નવ લોહિયાઓને હિંમત અને જુસ્સાથી સ્વરાજ પાછુ મેળવવા પ્રેરણા આપનારા ભગતસિંહ, ચંદ્ર શેખર, લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક જેવા નર બંકાઓ,
તુમ મુઝે ખૂન દો મૈ તુમ્હે આઝાદી દુંગા જેવા સૂત્ર થી સંગઠિત કરી આઝાદ હિંદ ફોજની રચના કરનાર સુભાષચંદ્ર બોઝ, દેશના તમામ નાગરિકોને સમાન હક મળે, સ્ત્રી-પુરુષ સમાનતા, ધાર્મિક ઐક્ય માટે દેશ આખામાં સમાનતાની સમજણ ફેલાવનાર બાબા સાહેબ, નાના મોટાં રજવાડાઓમાં વિભાજીત  ભારત ભૂમિને અખંડ ભારતની રચના કરનાર સરદાર અને આ સિવાય પણ મા ભોમને માટે મરી ફિટનાર સૌ શૂરવીરોને નમન.
ક્યા આઝાદીના એ ચાહકો અને ક્યા આજના દેશના નાગરિકો?
આઝાદ દિને  ભેગા થયેલા લોકોની સંખ્યા જોઇને આઝાદીનુ મૂલ્ય આપણા માટે શું છે એનો ખ્યાલ આવી જાય છે.
બાળકો તથા આઝાદી મેળવ્યા બાદ જન્મેલા સૌને પ્રશ્ન થતો હશે.
સ્વતંત્રતા એટલે શું?
સ્વતંત્રતા એટલે આઝાદી.
સ્વતંત્રતા એટલે લિબર્ટી.
સ્વતંત્રતા એટલે મુક્તિ.
પણ આ અમૂલ્ય વારસો આપણને મળ્યો છે એની કિંમત ક્યારેય આપણે કરી છે?
આપણે સ્વતંત્રતાનું સન્માન ક્યારેય કર્યું છે ખરું?
આઝાદીની અનુભૂતિ આપણે કોઇને કરવા દઇએ છીએ?
દરેકનો અંતરઆત્મા જવાબ આપી ચૂક્યો હશે.
 
આજના દિવસે માત્ર ગણતરીના  કલાકો  કહેવાતી દેશભક્તિનુ વાવાઝોડું આવે અને સૌના આત્મામાં રાષ્ટ્ર ભક્તિનો જ્વાળામુખી ફાટી નીકળે. અને સાંજ પડતા સ્વતંત્રતાના ઘોડાપુરનુ પાણી ઓસરી જાય તે છેક 26મી જાન્યુઆરીએ  સ્વાતંત્ર્ય દિવસ આવે ત્યાં સુધી ગુમનામીની ગર્તામાં ક્યા ખોવાઇ જાય છે તે સમજાતું જ નથી. 
ગાંધીજી, સરદાર, બાબા સાહેબ, ભગત સિંહ, ચંદ્ર શેખર , લાલા લજપતરાય, લોકમાન્ય ટિળક જેવા ભડવીરો એ સેવેલા સ્વતંત્રતાનો સોનેરી સૂરજ શું આપણા દેશમાં ઊગે છે?
સ્વતંત્રતા નહિ સ્વછંદતાની સવાર ઉગે છે અહીં.
આઝાદી નહિ આડોડાઈનું આવરણ ઓઢે છે સૌ કોઇ અહીં.
લિબર્ટી નહિ લુચ્ચાઇનુ લોલક લટકે છે અહીં.
આવા સંજોગોમાં શુ કરી શકીએ આપણે ?
દેશ દાઝ કેવી રીતે ઉત્પન્ન કરીએ?
માતૃભૂમિ કાજે પ્રેમ અને સન્માનની ભાવના કોણ જગાડશે?
મા ભોમને માટે કંઇક કરી છૂટવાની ખેવના ક્યારે ખિલશે?
બધું  જ થઇ શકે એમ છે.
જરુર છે એક શરુઆતની.
સમજણપૂર્વકના સાહસની.
આપણે જ્યા જઇએ ત્યા સ્વચ્છતા જાળવીએ,
સરકારે નક્કી કરેલાં ટ્રાફિકના નિયમોનું  પાલન કરીએ,
પર્યાવરણની જાળવણી કરીએ,
પ્રદૂષણ ફેલાતુ અટકાવીએ,
એક્તા અને ભાઇચારાની ભાવના પ્રસરાવીએ,
એક નવા ભારતના નિર્માણમાં સહભાગીદાર બનીએ.
બસ આપણે એક શરુઆત કરીએ.
સ્વથી શરુઆત કરીએ
ચાલો નવા યુગના આરંભની...

મળશે અઢળક આયુધો તુ આરંભ કર
ફળશે સઘળા પ્રયત્નો તુ પ્રયાસ  કર
નિયતિથી ઇશ્વર પણ થઇ જશે મુકર
એક વાર  અંતરથી તુ આગાઝ  કર
ભાવ
ભાવેશ પંડ્યા
આઝાદ દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ