25 October 2018

આજે મારી સાચે દિવાળી થઇ ગઈ.

'સાહેબ , બે દિવસ નો ધંધો  છે, અહીં ગાડી ન મુકો તો સારું .'

'અહીં મારુ કલીનીક છે, અહીં ના મુકું તો ક્યા મુકવાની?'
' સાહેબ, થોડી આગળ મેકો ને, મારા ભગવાન. અમે કયા રોજ ધંધો કરવા આવવાના છીએ?'

મારી અને એક બાર વર્ષ ના છોકરા સાથે વાત થતી હતી .
ફટાકડા નું પાથરણું કરી ને બેઠો હતો, અને મારે આ જગાએ ગાડી પાર્ક કરવાની હતી.

તેથી સ્વાભાવિક રીતે, તેને ત્યાં થી ખસેડવા નો મારો ઇરાદો હતો.

મેં ગાડી આગળ પાર્કિંગ કરી ને, ઉતરી ને પૂછ્યું ,' કેમ લ્યા, રોડ પર તો તમે રીતસર નો કબજો જમાવો છો?'

' ના સાહેબ, એવું નથી, આમ ધંધો કરતા ય
માંડ -માંડ બે પૈસા મળે છે.'
મેં એની આંખ મા જોયું .
ચમકદારઆંખ,તાજગીભર્યો ચહેરો , ભારોભાર ખુમારી, લાચારી વિહિન શરીર ના હાવભાવ, વાત કરતા એનું ચબરાકીપણુ .
મેં કહ્યું,' ક્યા રહેછે, સુરતમાં?'
' લાલદરવાજા પુલની નીચે..'

' નાહવા-ધોવાનું શું?'
' અમારે  જયા સગવડ મળે ત્યાં ....'

'ખાવા નું શું?'
'સાહેબ , અમારે શું ખાવાનું ?   મા લઈ આવે તે ખાવાનું! પાંઉ, ચા કે ભજિયા કે ખમણ?'
' દાળ-ભાત કે શાક-રોટલી?'
' ના રે ના, અહીં ધંધો કરવા આવ્યા છીએ.જે મળે તેના થી ચલાવી લેવાનું...'
'ગામ જઇ એ તો શાક-રોટલા થાય'
' ભણે છે કે?'
'હા, સાતમા ધોરણ મા ં છું.'
' ક્યા ?'
'વડોદરે..'
' ક્યાં ના રહેવાસી?'
' ધીણોજ -મહેસાણા.'
હું છક થઇ ગયો.
હું પણ ધીણોજનો.
ધીણોજ ની મારી યાદો-બાળપણ ની યાદો યાદ આવી.
હજી કલીનીક ની નીચે મારે તેના પાથરણા માટે લડવાનું હતું.
બધુ ઉડી ગયું.
ગાડી માં થી દિવાળી નિમિત્તે લીધેલી મિઠાઈ ને નાસ્તા તેને આપ્યા.
'મારે તેની જરુર નથી'
તેનો અવાજ નીકળ્યો.
આ છોકરો ભણે તો આગળ આવી શકે.
'સાહેબ , અમે તો આમ રખડપટ્ટી વાળી કોમ.
અમે એક જગાએ બેસી ને આરામકરવા વાળી કોમ નથી.'

અડધા કલાક પછી ઉપર  કલીનીકમાં જાઉં છું,
પેલો છોકરો કહે,' સાહેબ ,બે દિવસ પછી તમને તકલીફ નો પડશે.'

બપોરે એક વાગે કલીનીક થી નીચે ઉતર્યો. ઠંડું પાણી ને  સ્ટાફ પાસે મંગાવેલું જમવાનું આપ્યું .
લઈ લીધું . જમીને તે ઉપર આવ્યો.
કહે,' સાહેબ , તમે સવારે જે દેખાતા હતા , તે તમે કેમ બદલાઈ ગયા?'
મારી પાસે ધીણોજ -વતન સિવાય કોઈ તેનો સંબંધ નહોતો.
દર્દીઓ હતા. આખા દવાખાના મા આંટો મારી દીધો. થોડી વાર પછી મારી પાસે આવ્યો.
કહે,'બહુ કામ કરોછો. દાદા?'
મેં કહ્યું.' કેમ લ્યા, સાહેબમાં થી મને દાદા બનાવી દીધા?'
તે કાંઈ બોલ્યો નહી.ં
મેં કહ્યું , ' ડોક્ટર બનવું છે? બહુ ભણવું પડે.'
તે કહે,' હું કેવી રીતે કહું? હું બહુ નાનો છું. મા કહે એમ કરવાનું. અમે ગરીબછીએ.'
મેં કહ્યું , 'ડોક્ટર તો તને હમણાં બનાવી દઉં . ચાલ, મારી પાસે આવી જા'
હું ખુરશી માંથી ઊભો થયો. તેને ખુરશીમા બેસાડી દીધો. ગળામા સ્ટેથોસ્કોપ લટકાવી દીધું. ફટાફટ ફોટા પાડી દીધા. તેને ફોટા બતાવ્યા. ખડખડાટ હસવા લાગ્યો. દોડતો નીચે ગયો. માને તેડી લાવ્યો. માની આગળ મારી વાતો કરી . મેં તેનો મા સાથે ફોટો પાડ્યો.
એની  ભણવા વિશે વાત કરી. મા કહે ,' હા, તે ભણવામાં હોશિયાર છે, એવું ગામ માસ્તરો કહે છે.'
મેં તેને ભણવાની મદદની વાત કરી. ધીણોજની મારી વાતો કરી. મા-દીકરો પ્રસન્ન હતા.
સવાર ની કલીનીક ની સેશન પતી ગઈ હતી.
નીચે ઉતરી ને મને ફટાકડા આપવા લાગ્યો. મેં કહ્યું કે મારે ફટાકડા ની જરુર  નથી.
એકાએક મેં કહ્યું ,' તું મને ફટાકડા વેચવા બેસવા દે.'
હું ફટાકડા વેચવા બેઠોને તરત મારા એરિયા ના ઓળખીતા આવતા જતા જોઈ રહ્યા. બધાંને થોડાક પણ ફટાકડા લેવાનું કહ્યું . ને ફટાકડા ખાલી થઈ ગયા.
આજે મારી સાચે દિવાળી થઇ ગઈ.
દેવી પુજા ની કે લક્ષ્મીપૂજન ની આજે જરુર રહી નહી. આજે તો દેવી પુજક પરિવાર નો હું સભ્ય બની ગયો હતો.
તે છોકરો બોલ્યો,'તમે મને ખુરશી માં બેસાડી ખોટો ડોક્ટર બનાવ્યો, પણ દાદા તમે સાચા ફટાકડા વેચવાવાળા બની ગયા.'
૬૮ મા જન્મ દિન ના બીજા દિવસે  પેલા *દેવી પુજક* છોકરા ની આંખમાં મેં ધરાઇને જોયું
ન હોત તો?
- કદાચ ઇશ્વરે મારા પેલા પડદા ખોલવા નું કામ શરુ કર્યું લાગે છે.
-ઊંચાપદ વાળા નીચે ઉતરી જાય તો નીચી પાયરી વાળા ઉંચે આવી શકે, એ સત્ય આજની દિવાળીએ સમજાવ્યું છે.
ગાડી માં બેસી ને ઘરે આવવા નીકળું છું .

કારમાં રેડિયો વાગે છે-

' ઈતના ના મુઝસે પ્યાર બઢા,
કે મૈ ઈક  બાદલ આવારા,
કૈસે કિસિકા સહારા બનું ,
કિ મૈ ખુદ બેઘર બેચારા.
મુઝે એક જગા આરામ નહી,
રુકજાના મેરા કામ નહી.
મેરા સાથ કહા તક દોંગે તુમ,
મેં દેશ વિદેશ કા બનજારા.'

હું  આ ગીત  સાંભળતા વિચારું છું કે પેલો દેવીપુજક છોકરો તો મને કંઈક કહેતો તો નથી ને?
------------------------------
-ડો ભાસ્કર આચાર્ય