શિક્ષક અને વાલી
આદર્શ શિક્ષક ગિજુભાઈ બધેકા વર્ગમાં બાળકોને ભણાવી રહ્યા હતા. દરેક બાળક તલ્લીન થઈ પાઠ્યપુસ્તક વાંચતા હત. તેમને મનમાં ખૂબ આનંદ થયો. તેમણે ફરીવાર નજર કરી તો એક વિદ્યાર્થા તેની પાસે બેઠેલા એક બીજા વિદ્યાર્થીના પાઠ્યપુસ્તકમાં નજર ફેરવી રહ્યો હતો. આ જોઈને ગિજુભાઈએ પેલા વિદ્યાર્થીને ઊભા થવાનું કહ્યું. પેલો ડરને માર્યો ઊભો થયો. ગિજુભાઈએ તેને પૂછ્યું : ‘તારી પાસે પાઠ્યપુસ્તક નથી ? તેં હજી સુધી તે ખરીદ્યું નથી ? બીજાના પુસ્તકમાં શા માટે જુએ છે ?’
આવા ઉપરાઉપરી પ્રશ્નોથી પેલો વિદ્યાર્થી ગભરાઈ ગયો. તે એટલું જ બોલી શક્યો : ‘અમે પુસ્તક ખરીદી શકીએ તેમ નથી.’ ગિજુભાઈએ પછી તેને બેસી જવા કહ્યું. શાળાનો સમય પૂરો થયો. ગિજુભાઈ ઘેર આવ્યા, પણ તેમના મનને સતત એક પ્રશ્ન ડંખી રહ્યો હતો : ‘મેં તેને ઊભો કર્યો, કારણ કે તેની પાસે પાઠ્યપુસ્તક નહોતું. પણ શા માટે નહોતું ? તેનાં માતાપિતા એ ખરીદી શકે તેવી સ્થિતિ ધરાવતાં નથી એટલે જે ને !’ અને પછી આ પ્રશ્ન પણ થયો : ‘હું શું તેનો શિક્ષક જ છું ? તેનો હું વાલી નથી શું ?’
બીજે દિવસે ગિજુભાઈએ પેલા વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો અને તેના હાથમાં પૈસા આપીને બોલ્યા : ‘હવે તું પાઠ્યપુસ્તક ખરીદી લેજે.’ પેલો વિદ્યાર્થી ગળગળો થઈ ગયો ને બોલ્યો : ‘તમે મારા શિક્ષક છો, કંઈ મારા વાલી નથી કે આમ મને પાઠ્યપુસ્તક ખરીદવા પૈસા આપી રહ્યા છો !’
ગિજુભાઈ બોલ્યા : ‘બેટા, આજ સુધી હું પણ એ જ ભ્રમમાં હતો કે હું તારો શિક્ષક જ છું. પણ આજે મારો ભ્રમ હવે દૂર થયો છે અને હું સમજી શક્યો છું કે હું તારો શિક્ષક જ નહિ, વાલી પણ છું. બધા શિક્ષકોએ વહેલું મોડું આ સમજવું જ પડશે.’