24 December 2018

તું રમીશ નહી. રમે તો ભૂખ લાગે છે અને ખાવાનું માગે છે.

કાલે મને એક ધક્કો લાગ્યો. એમાંથી હું હજુ પણ બહાર આવી શક્યો નથી. એક બાંધકામની સાઈટ પર થોડા કામદારોનાં છોકરાઓ પકડાપકડી રમી રહ્યા હતા. વોચમેનનો નાનો છોકરો (સાધારણ આઠ વર્ષનો) એક પથ્થર પર બેસીને બીજા લોકોની પકડાપકડીની રમત જોઈ રહ્યો હતો. કોઇ પકડાઇ જાય ત્યારે તે તાળીઓ પાડતો તથા હસતો હતો પણ રમતો નહોતો.
મેં તેને પૂછ્યું કે, "તું કેમ નથી રમતો?"
છોકરાએ રમતમાંથી નજર હટાવ્યા વગર જવાબ આપ્યો, "મમ્મીએ ના પાડી છે."
"મમ્મી ના પાડે જ કેમ? તેં નક્કી કંઈક આડું અવળુ કર્યુ લાગે છે." મેં શંકા વ્યક્ત કરી.
તેણે જવાબ આપવાનું ટાળ્યુ. મારી વાતને ઉડાવીને પુનઃ રમત જોવા લાગ્યો.
પણ તેને ચિડવ્યા વગર હું ચેનથી શેનો બેસી રહુ?
"મને ખબર છે કે તારી મમ્મી રમવાની ના કેમ પાડે છે. તું ભણવામાં ધ્યાન નથી આપતો!!!"
મારો ટોણો તેને બરાબર લાગી ગયો. તેના ચહેરા પરથી રમતનો આનંદ ઓસરી ગયો. મારી સામે તાકી રહ્યો અને કડવું સત્ય ઊચ્ચાર્યુ.
"મમ્મી કહે છે કે: તું રમીશ નહી. રમે તો ભૂખ લાગે છે અને ખાવાનું માગે છે."
તે ચોધાર આંસુએ રડી પડ્યો. હું આ જોઈને ડગાઇ ગયો અને ત્યાંથી ગમેતેમ કરીને નિકળી ગયો.
હું હજુય બેચેન છું. ગયા વર્ષે ભૂખ લગાડવા અને ખાવાનું પચાવવા માટે દવા પાછળ કેટલા ખર્ચ્યા તેનો હિસાબ કરવા બેસી ગયો.