3 February 2019

ખરેખર નસીબદાર હોય છે એ ઘર જ્યાં માતાને દીકરી આવી સમજણ આપે છે.

એક દિવસ માતા પુત્રી  ફોન પર વાત કરી રહ્યા હતા.મા કહે "દીકરી તું આવે છે ત્યારે ઘર ની રોનક વધી જાય છે,તારા પપ્પા પણ બહુ જ આનંદમાં હોય છે."

દીકરી કહે: "હા મા,બસ થોડો સમય.પછી તો ભાઈનો અભ્યાસ પૂરો થઈ જશે એટલે તે ઘરે આવી જશે અને ઉંમર પણ થઈ તો લગ્ન કરી એક દીકરી લાવજો જે ત્યાંજ રહેશે એટલે ઘર રીનાક વાળું જ રહેશે."

માતા હરખાતા બોલી,"હા, બેટા! પછી તો તમને કુંવરી ની જેમ રાખીશ,અત્યારે તો આવો એટલે જરા વ્યસ્ત રહો છો."

દીકરી સાસરે હતી એટલે માતા ને અટકાવતા બોલી, "મા તે આપણા ઘરમા આવશે એટલે તમને અમારી ખોટ નહીં સાલે"

મા કહે, "તે જે હોય તે ,પણ મને એટલી ખબર પડે કે દીકરી એ દીકરી હોય.જેટલું એને માવતર નું પેટમાં બળે એટલું દીકરા ને પણ ના બળે..."

મા ને અટકાવતા દીકરી બોલી, "બસ આજ વાંધો છે આપણા સમાજનો,દીકરી નો મોહ જ નથી મુકતા.તમે પુત્રવધૂ ને પુત્રવધૂ તરીકે રાખો તો એ પુત્રથી પણ વઘુ ધ્યાન રાખે.પણ એ પારકી છે એ ગણી ને એના વાંક કાઢ્યા કરો તો એ પણ સાસુ છે એમ જ મનમાં ગાંઠ વાળશે."

"પણ બેટા.." મા ને આગળ બોલતા અટકાવી પુત્રી બોલી, "જુઓ મા ! અમને તમારી ફિકર હોય જ એમ શંકા ને સ્થાન નથી,અમે ક્યારેક આવીને તમારું થોડું ધ્યાન રાખીએ તો એમાં કોઈ મોટી વાત નથી.પણ એ ત્યાં રહી આખો દિવસ કામ કરે અને તમે અમારા ગુણ ગાઓ એતો વ્યાજબી ના કહેવાય ને..!? મા,દિકરી જમાઈ એની જગ્યાએ ભલે મીઠા ખરા પણ ક્યારેક જ શોભે.જ્યારે વહુ તો લુણ હોય છે જેના વિના જેમ પકવાન ફિક્કા લાગે તેમ વહુ વિના ઘર સુનું લાગે.. એજ સાચી રોનક છે.આજ થી જ મન માં ગાંઠ વાળી લો,તો સ્વર્ગ મેળવવા માટે દેહ નહીં છોડવો પડે.ચાલો મા હવે મારે કામ છે હો,તમારું ધ્યાન રાખજો.જય શ્રી કૃષ્ણ" કહી દીકરીએ ફોન રાખી દીધો.

માતા મન માં જ ગર્વ કરી રહી કે આ મારી દીકરી કેટલી મોટી થઈ ગઈ અને કેવી મૂલ્યવાન વાતો સમજાવે.

ખરેખર નસીબદાર હોય છે એ ઘર જ્યાં માતાને દીકરી આવી સમજણ આપે છે.

આ બધું જીવન અનુભવ શીખવે છે.