13 June 2015

યોગ ચતુષ્ઠય એટલે (૧)મંત્રયોગ (૨) હઠયોગ (૩) રાજયોગ અને (૪) લયયોગ. આ યોગનો અર્થ છે


યોગી અને યોગ શક્તિ(બિંબ પ્રતિબિંબ )




(૧) યોગ પરમાનંદની પ્રાપ્તિનો વાચક છે. યોગ એટલે પરમાનંદની પ્રાપ્તિ અને તેમાં દુઃખોનો અભાવ.
(૨) ‘ધ્યાન યોગ’ના અર્થમાં યોગ એટલે વાયુરહિત સ્થાનમાં રહેલા દિવાની સ્થિર જ્યોતિ સમાન ચિત્તની સ્થિરતા.
(૩) ‘નિષ્કામ કર્મયોગ’ના અર્થમાં યોગ એટલે આસક્તિ રહિત તથા સિદ્ધિ અસિદ્ધિમાં સમાન ભાવ રાખી કરવામાં આવતાં કર્મો.
(૪) ‘ભગવત્ત શક્તિરૃપ’ યોગના અર્થમાં યોગ આશ્ચર્યજનક પ્રભાવ દર્શાવતી યોગશક્તિ છે.
(૫) ‘ભક્તિયોગ’ના અર્થમાં યોગ એટલે પરમાત્માની વિશુદ્ધભક્તિ.
(૬) ‘અષ્ટાંગ યોગ’ના અર્થમાં યોગ એટલે  ધારણા તથા અન્ય માર્ગો દ્વારા મન અને ઇન્દ્રિયોનો સંયમ કરી મસ્તકમાં પ્રાણ ચડાવવાની પ્રક્રિયા.
(૭) ‘સાંખ્યયોગ’ના અર્થમાં યોગએટલે અહં-મમત્વનો લય કરીને સચ્ચિદાનંદઘન, સર્વાવ્યાપી પરમાત્મામાં એકાત્મ ભાવથી સ્થિત થવું.
યોગના ગ્રંથોમાં ‘યોગ’ એટલે ‘યોગ ચતુષ્ઠય’ છે. આ યોગ ચતુષ્ઠય એટલે (૧)મંત્રયોગ (૨) હઠયોગ (૩) રાજયોગ અને (૪) લયયોગ. આ યોગનો અર્થ છેઃ
(૧) મંત્રયોગ :
મનનો જે લય કરે તે મંત્રયોગ. મંત્રની એક વ્યાખ્યા’મનને તારે તે મંત્ર’ એવી અપાય છે. મંત્રયોગનો ઉપયોગ સિદ્ધિ અને સામર્થ્ય પ્રાપ્ત કરવા પણ થતો હોય છે. તંત્રયોગના પરિણામ મનો- શારીરિક તથા આદ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે.
(૨) હઠયોગ :
‘હ’ એટલે ‘સૂર્ય’ અને ‘ઠ’ એટલે ચંદ્ર. આનો અર્થ થાય છે કે ઇંડા અને પીંગળા નાડીના સંયોગથી સુષુમુના સ્થિત કુંડલિની શક્તિનું ઉત્થાન કરાવીને તેને સહસ્ત્રારસ્થિત શિવમાં સામરસ્ય કરાવી એટલે હઠયોગ. આવી ક્રિયા અન્ય યોગના પ્રકારથી કે આકસ્મિક થાય તેવું બની શકે છે.
યોગના ગ્રંથોમાં દર્શાવ્યા પ્રમાણે સુપ્ત કુંડલિની શક્તિનું ઉત્થાન કરાવી તેને મૂલાધાર,સ્વાધિષ્ટાન, મણિપુર અનાહત, વિશુદ્ધ આજ્ઞા વગેરે ચક્રોનો ભેદ કરાવી તેને ‘હઠયોગ’ કહે છે. પ્રચલિત  અર્થમાં હઠયોગને દૈહિક નિયંત્રણો દ્વારા અદ્ભુત શારીરિક શક્તિ પ્રાપ્ત કરવાનો યોગ માનવામાં આવે છે. તેને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરવાના રહસ્યોનો યોગ માનવામાં આવે છે.
(૩) રાજયોગ :
પદ્માસન, સિદ્ધાસન આદિ કોઈ સ્થિર આસન કરીને શાંતિથી આદિ કોઈ મુદ્રા દ્વારા ચિત્તને એકાગ્ર કરી પરમાત્મભાવમાં સ્થિર થવાના યોગને રાજયોગ કહે છે. મનના નિરોધ દ્વારા પ્રાણનો વિરોધ કરવાના યોગને રાજયોગ કહે છે. મન, ચિત્ત અને ચેતનાને લઈને આગળ વધવાનું ધ્યેય ધરાવતા યોગને રાજયોગ કહે છે.
(૪) લયયોગ :
લયયોગ એટલે મંત્રયોગ અને હઠયોગના સમન્વય દ્વારા કુંડલિને જાગૃત કરતો યોગ.
આ ચાર પ્રકારના યોગ સિવાય ક્રિયાયોગ, સ્પંદનયોગ, અસ્પર્શ યોગ વગેરે પ્રકારના યોગ તંત્રગ્રંથો તથા યોગ ગ્રંથોમાં જોવા મળે છે.
યોગની સાધના કરનારને સાધક કહે છે. પરંતુ તેમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનારને સિદ્ધયોગી કહે છે. તૈલંગ સ્વામી, લાહિરી મહાશય, રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, શ્રી અરવિંદ ઘોષ વગેરેનો સિદ્ધયોગીમાં સમાવેશ થાય છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ‘યોગી’ શબ્દ નવ અર્થમાં વપરાયો હોવાનું જણાય છે. ઈશ્વર,આત્મજ્ઞાની, જ્ઞાનીભક્ત, નિષ્કામ કર્મયોગી, સાંખ્યયોગી ભક્ત, સાધકયોગી, ધ્યાનયોગી, સકામ કર્મયોગી, વગેરે અર્થમાં ‘યોગી’ શબ્દ વપરાયો છે. યોગીની મહાન સિદ્ધિ ગણાવતા ઉપનિષદમાં જણાવવામાં આવ્યું છે કે ‘યોગીનું શરીર યોગાગ્નિમય થઈ જાય છે. તે ઘડપણ, રોગ અને મૃત્યુથી પર થઈ જાય છે. અજર- અમર થઈ જાય છે.
યોગસિખોપનિષદમાં દર્શાવ્યા પ્રમાણે ‘મંત્ર, લય, હઠ અને રાજ આ ચાર યોગ યથાક્રમ ચાર ભૂમિકાઓ છે. ચારેય મળીને આ એક જ ચર્તુિવધ યોગ છે. જેને ‘મહાયોગ’ કહે છે. ‘મહાયોગ સિદ્ધ થાય તેવા યોગીને મહાયોગી કહે છે. મહાયોગી તથા સિદ્ધયોગીની યોગશક્તિ અદ્ભુત કે વિરલ મનાય છે. મુનિશ્રી પતંજલિએ’પાતંજલ’ યોગદર્શનમાં વર્ણવેલી ગૌણ અને મુખ્ય સિદ્ધિઓમાંથી ઓછાવત્તા પ્રમાણમાં સિદ્ધિઓ આ કક્ષાના યોગીને પ્રાપ્ત થઈ હોય છે.
પતંજલિ મુનિના દર્શાવ્યા પ્રમાણે ધ્યાન ધારણા અને સમાધિ. આ ત્રણેને યોગનું ‘અંતરંગ સાધન’ એટલે કે સંયમ કહેવાય છે. લાંબાગાળાના સઘન સંયમ દ્વારા અસાધારણ પરાશક્તિઓ પ્રાપ્ત થાય છે. વિષયોના ધર્મ, લક્ષમ અને અવસ્થા પરિણામ હોય છે. આ ત્રણે પરિણામોમાં સંયમ કરવાથી યોગી ભૂતકાળ અને ભવિષ્યકાળનું સાક્ષાત્કારત્મક જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. જ્ઞાનની પૃથકતામાં સંયમ કરવાથી જ્ઞાનીને પશુ-પક્ષીઓની ભાષાનું જ્ઞાન થાય છે. સંસ્કારો પર સંયમ કરવાથી યોગીને તે સંસ્કારોનો સાક્ષાત્કાર થઈ તેના સંબંધિત સમસ્ત પૂર્વજન્મોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. બીજાના ચિત્ત ઉપર સંયમ કરવાથી બીજાનો સાક્ષાત્કાર પ્રાપ્ત કરી યોગીને સંકલ્પ માત્રથી તેના ચિત્તનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. વિવિધ પ્રકારે સંયમ કરી યોગી બીજાની નજરમાંથી અદૃશ્ય થઈ જવું, મૃત્યુનું જ્ઞાન પ્રાપ્ત કરવું, આશ્ચર્યકારક બળ પ્રાપ્ત કરવું. દૂર દેશના પદાર્થો કે બનાવોનું જ્ઞાન પ્રાપ્ત કરવું. ચૌદ ભુવનનું સવિસ્તર પ્રત્યક્ષ થઈ જવું,તારાગણની સ્થિતિનું જ્ઞાન, શરીરનું આંતરિક જ્ઞાન, તથા રોગોનું પૂર્વજ્ઞાન વિગેરે વિગેરે સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. નવાઇની વાત એ છે કે મુનિશ્રીપતંજલિએ દર્શાવેલી યોગશક્તિમાંથી જુદી જુદીશક્તિઓ મહાયોગી કે સિદ્ધયોગીમાં પ્રસંગોપાત જણાય છે.
યોગશાસ્ત્રના મહાન ગ્રંથોમાં દર્શાવ્યા પ્રમાણે શરીર ઇન્દ્રિયો અને ચિત્ત તથા ચેતનામાં પરિવર્તન દ્વારા વિલક્ષણ શક્તિનો ઉદય થવાને જ સિદ્ધિ કહે છે. આ સિદ્ધિઓ જન્મ, ઔષધિ, મંત્ર, તપ,અને સમાધિ આ પાંચ રીતે પ્રાપ્ત થાય છે. ભારતનાં ગૂઢશાસ્ત્ર અને યોગવિદ્યા અંગેના તથા ધર્મગ્રંથોમાં પૂર્વજન્મના સંચિત કર્મો તથા તેની આ જન્મમાં દેખાતી અસરોને મહત્ત્વની ગણવામાં આવી છે. આમ છતાં યોગીના તપ તથા સાધના દ્વારા પ્રાપ્ત થતી આ જન્મની સિદ્ધિના મહત્ત્વને સ્વીકારવામાં આવ્યું છે.
યોગશાસ્ત્રના ગ્રંથોમાં થયેલી યોગ, યોગી અને યોગશક્તિ દ્વારા પ્રાપ્ત થયેલી સિદ્ધિઓની છણાવટ બહુલક્ષી અભિગમની ઝાંખી કરાવે છે