16 February 2016

માતૃભાષાની ચિંતા વિશેની ચિંતા

માતૃભાષાની ચિંતા વિશેની ચિંતા
પચાસેક વર્ષ પહેલાં ઝવેરચંદ મેઘાણીનો ઉલ્લેખ હંમેશાં ‘સ્વર્ગસ્થ મેઘાણી’ તરીકે જ થતો. જ્યાં ને ત્યાં. જ્યારે ને ત્યારે. પરિણામ એ આવ્યું કે ફક્ત ‘સ્વર્ગસ્થ’ બોલાય તો મેઘાણી યાદ આવે ને ફક્ત ‘મેઘાણી’ બોલાય તો સ્વર્ગસ્થ યાદ આવે! ‘ગુજરાતી બચાવો’ની સ્થિતિ અત્યારે કંઇક એવી છેઃ ફક્ત ‘ગુજરાતી’ બોલાય, તો પણ ‘ગુજરાતી બચાવો’ જ સંભળાય છે.

ગુજરાતમાં ત્રણ-ચાર દાયકા પહેલાં અંગ્રેજી બચાવવાની સીઝન ચાલતી હતી. શિક્ષણમાં અંગ્રેજી દાખલ કરાવવા માટે બૌદ્ધિકોએ આંદોલન કરવાં પડતાં હતાં અને અદાલતી લડાઇઓ લડવી પડી હતી. હવે ગુજરાતી બચાવવા માટે આંદોલન, ઝુંબેશ, પ્રચાર, જાગૃતિ, પી.આર....બઘું કરવામાં આવે છે. છતાં હજુ સુધી પરિણામ તો દૂર, તેની દિશા સાચી હોવાની પણ એંધાણી મળતી નથી.

માતૃભાષા તરીકે ગુજરાતી ખરેખર ખતરામાં છે? એ લુપ્ત થઇ જશે? એને બચાવી શકાય એમ છે? એ ચર્ચા છેડતાં પહેલાં, અત્યાર સુધી ધૂંટાતી રહેલી ગેરસમજણોને દૂર કરવી રહી.

ગેરસમજણ ૧: ભાષા એટલે સાહિત્ય
બહુમતિ લોકો ભાષાની વાત આવે એટલે ‘આ તો સાહિત્યની વાત છે’ એમ કહીને કપડાં ખંખેરીને ઉભા થઇ જાય છે. ઘણા સાહિત્યકારોને પણ આ સ્થિતિ (પોતાનો ધારી લીધેલો વિશેષાધિકાર) મનોમન ગમે છે. હકીકતે, ભાષાનો સંબંધ કે ભાષાનો ઠેકો સાહિત્યકારો પાસે નથી.

સરખામણી કરવી હોય તો કહી શકાય કે, ભાષા સોનાની લગડી છે અને સાહિત્યકારો સોની છે. એ લોકો ભાષામાંથી પોતાની આવડત-વૃત્તિ (કે બજારની માગ) પ્રમાણે ઘરેણાં બનાવે છે. પણ જેમની પાસે ઘરેણાં બનાવવાની આવડત નથી, એમની પાસે સોનાની લગડી તો છે જ અને એની કિંમત જરાય ઓછી નથી. બલ્કે, ઘરેણાંમાંથી લગડી નહીં, લગડીમાંથી ઘરેણાં બને છે.

ગેરસમજણ ૨: ભાષાબચાવો એટલે અંગ્રેજીનો વિરોધ
ગુજરાતીની વાત નીકળે એટલે એક મોટું જૂથ તરત આઘુનિક યુગમાં અંગ્રેજી કેટલું જરૂરી છે, અંગ્રેજી જાણનારા કેટલા આગળ નીકળી ગયા ને અંગ્રેજી નહીં જાણનારા કેટલા પાછળ પડી ગયા, તેની કથાઓ શરૂ કરી દે છે. ગુજરાતીની વાત કરનારને એટલું કહેવાની પણ તક નથી મળતી કે ‘જે ભાષામાં- જે માઘ્યમમાં ભણવું હોય તેમાં ભણો, પણ માતૃભાષાને અભરાઇએ ચડાવવાની કે તેનાથી શરમ અનુભવવાની શી જરૂર છે?’

અંગ્રેજીનો વિકલ્પ નથી એ ખરૂં છે. પણ ગુજરાતમાં કૌટુંબિક અને અંગત વ્યવહારમાં ગુજરાતી ભાષાનો સન્માનજનક વિકલ્પ છે ખરો? મોટી ઊંમરનાં દાદા-દાદી કે નાની ઊંમરનાં માતા-પિતાને ઈંગ્લીશ મિડીયમનાં બાળકો સાથે ભાંગ્યાતૂટ્યા કે લધુતાગ્રંથિગ્રસ્ત ઈંગ્લીશમાં વાતો કરતાં સાંભળવાં, એ બહુ કરૂણ દૃશ્ય હોય છે. વડીલો પોતાની ગરજે બાળકો સાથે અંગ્રેજીમાં સંવાદનો પ્રયાસ કરે અને બાળકોની કસોટીમાં નાપાસ થાય, એ કરૂણ દૃશ્ય સામાન્ય બનતું જાય છે.

ગેરસમજણ ૩: જમાના પ્રમાણે પરિવર્તન એટલે ગુજલિશ
‘ટેબલ’ને ‘મેજ’ અને ‘ટ્રેન’ ને ‘આગગાડી’ કહેવાની- ટૂંકમાં, ભદ્રંભદ્ર બનવાની - વાત નથી. સાર્થ જોડણી કોશમાં અંગ્રેજી કે ઉર્દુ તો ઠીક, અલમારી અને ઇસ્કોતરો જેવા પોર્ટુગીઝ ભાષાના શબ્દો પણ ગુજરાતી તરીકે સ્થાન પામ્યા છે. ભાષા એના સહજ ક્રમમાં અને જરૂરિયાત પ્રમાણે બીજા શબ્દોને સમાવતી રહે છે. એ જ રીતે ભાષા સમૃદ્ધ બને છે. પરંતુ અભિવ્યક્તિ માટે પોતાની ભાષામાં સચોટ, સબળ છતાં ભદ્રંભદ્રીય નહીં એવા શબ્દો હાથવગા હોમી છતાં, આઘુનિક દેખાવા કે યુવા પેઢી સાથે તાલ મિલાવવા માટે શહેરી બોલચાલની ભાષાના અંગ્રેજી શબ્દો કે શબ્દઝુમખાં ઠપકારવાં, એ ભાષાનો વિસ્તાર નથી. ભાષાની વિકૃતિ છે.

વિસ્તાર અને વિકૃતિ વચ્ચેનો ભેદ ન સમજતા કે ન સમજવા માગતા લોકો આયાસપૂર્વક લખેલી ગુજલિશથી ગુજરાતી ભાષાના ચીરહરણનું દુઃશાસનકાર્ય કરે છે અથવા અનાયાસે-સહજતાથી લખેલી ગુજલિશથી ગુજરાતી ભાષામાં લખવાની પોતાની ગેરલાયકાત છતી કરે છે. છતાં, લખાણમાં અંગ્રેજી શબ્દો ન જ આવવા જોઇએ, એવો ભદ્રંભદ્રીય આગ્રહ જેટલો હાસ્યાસ્પદ લાગે છે, એટલું હાસ્યાસ્પદ ‘ગુજલિશ ખાતર ગુજલિશ’ લાગતું નથી. કારણ કે તેમાં લખનારની જેમ વાંચનારના પક્ષે પણ ‘ક્યાંક આઘુનિકતાની ટ્રેન ચૂકી ન જવાય!’- એવી માનસિકતા કામ કરતી હોય છે. આઘુનિકતાને માત્ર ભાષા સાથે સંબંધ નથી હોતો, એ સીઘુંસાદું સત્ય સૌ પોતપોતાના લાભાર્થે જાહેર થવા દેતા નથી.

ચેતન ભગત ગુજરાતીમાં લખતા હોત તો?
કેટલાક મિત્રો એવું માને છે કે ગુજરાતીમાં કોઇ ચેતન ભગત જેવું લખતું નથી, એટલે યુવાનો ગુજરાતીમાં વાંચતા નથી. આવું માનનારા સ્વાભાવિક રીતે જ ચેતનના ભગત હોય છે. ભગતની ભક્તિ સ્વૈચ્છિક અને અંગત પસંદગીની બાબત છે, પણ તેને એક મૂલ્ય તરીકે- ગુણવત્તાના માપદંડ તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ હાસ્યાસ્પદ છે. ચેતન ભગતના ચાહકોએ એટલો ભેદ તો પાડવો રહ્યો કે ચેતન ભગતના કારણે અંગ્રેજી નહીં, પણ અંગ્રેજીના કારણે ચેતન ભગત આટલા સફળ છે. ચેતન અત્યારે જે લખે છે, એવું જ જો ગુજરાતીમાં લખતા હોત તો? બહુ સંભવ છે કે તેમના ઘણા ગુજરાતી ભક્તો ખડી પડ્યા હોત.

સાહિત્યકારોથી ભાષાનો વટ પડે છે, એવી માન્યતા પ્રચલિત માન્યતા છે. પણ ખરેખર જેમના થકી ભાષાનો વટ પડે એવા લેખકો બહુ ઓછા હોય છે -અને ગુજરાતી ભાષામાં એવા લેખકો છે, જેમના કારણે ગુજરાતી આપણી માતૃભાષા હોવાનું આપણને ગૌરવ થાય. ફક્ત સાહિત્ય જ શા માટે, વિજ્ઞાન જેવા વિષયોમાં પણ દાયકાઓથી એકનિષ્ઠ કામ કરનારા છે. પરંતુ ‘ગુજરાતી બચાવો’ મંડળીઓ એ કામને ભાગ્યે જ ઘ્યાનમાં લે છે- તેને આદર્શ તરીકે રજૂ કરવાનું તો બહુ દૂર! આ રીતે થોડું ઘણું સારૂં કામ પણ સરવાળે ખૂણે હડસેલાતું જાય છે અને રોકકળ મુખ્ય કાર્યક્રમ બની જાય છે. તેમાં અંગ્રેજીના આક્રમણ કરતાં વધારે વધારે લોકોની ઉપેક્ષા અને ભાષાના કહેવાતા રક્ષણહારો-તારણહારોની આંધળીબહેરી ચિંતા પણ ભાગ ભજવે છે.

વાત ફક્ત પ્રભાવશાળી અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા લેખકથી ભાષાનું ગૌરવ અનુભવવાની વાત હોય તો ગુજરાતી ભાષા પાસે સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર મહાત્મા ગાંધી છે. (એ ચેતન ભગત કરતાં મોટા કહેવાય કે નહીં, એનો નિર્ણય ભગતના ભક્તો નક્કી કરે.) એટલે, ગુજરાતી ભાષામાં સેલિબ્રિટી લેખકો થઇ જાય તો પણ સામાન્ય પ્રજાના મનમાં ભાષાનું ગૌરવ વધી જશે, એવું માની લેવાય નહીં.

ભાષા પહેલાં બીજું ઘણું લુપ્ત થશે
‘ગુજરાતી બચાવો’માં કારકિર્દી બનાવવી ન હોય અને ગુજરાતીના ઉદ્ધારક તરીકે પેશ ન આવવું હોય, છતાં માતૃભાષા પ્રત્યે લાગણી હોય તો પહેલાં થોડો વિચાર અને પછી થોડું આચરણ કરી શકાય. એના માટે સાહિત્યકાર કે કટારલેખક હોવું જરૂરી નથી. ફક્ત ગુજરાતી હોવું પૂરતું છે.

વિચારનો પહેલો મુદ્દો એ છે કે ગુજરાતી ભાષા બોલનારા ગુજરાતીઓનો આંકડો કરોડમાં છે. છતાં, ભાષા લુપ્ત થવાની બૂમો શા માટે? કારણ કે, સમાજના ટોચના, સફળ, ધનિક, બોલકા વર્ગની નવી ભાષા અંગ્રેજી છે. તેમની સફળતામાં અંગ્રેજીનો હિસ્સો કેટલો હતો એ ગૌણ છે, પણ દૂરથી જોનારને એટલો સંદેશો સ્પષ્ટ ઝીલાય છે કે સફળ થવું હશે તો અંગ્રેજી શીખવું પડશે. શાળાઓમાં બીજા (ટકાવારીમાં) ‘કામના’ વિષયો શીખવવાનું ઠેકાણું ન હોય, ત્યાં અંગ્રેજીમાં ક્યાંથી ભલી વાર આવે? એટલે અંગ્રેજી શીખવવાનો અધકચરો છતાં એકમાત્ર રસ્તો, બાળકને ઈંગ્લીશ મિડીયમની સ્કૂલમાં મૂકી દેવાનો છે.

ઈંગ્લીશ મિડીયમમાં બાળકને ભણાવવાનો વાંધો નથી, પણ એ મિડીયમને સફળતાના પર્યાય તરીકે ગણવામાં ગોટાળો છે. લોકો એટલું પણ વિચારતા નથી કે એક જમાનામાં ગુજરાતી માઘ્યમમાં હતાં, એથી પણ વઘુ વિદ્યાર્થીઓનાં ટોળાં, યોગ્ય શિક્ષકો કે પૂરતી સજ્જતા ન હોય એવી ઈંગ્લીશ મિડીયમની શાળાઓમાં ઉભરાઇ રહ્યાં છે, તો એ બધાં કેવી રીતે સફળ થઇ જશે?

ઈંગ્લીશ મિડીયમમાં ભણતા બાળક માટે ઈંગ્લીશને અપનાવવા જેટલું જ ગુજરાતીને તરછોડવું જરૂરી ગણવામાં આવે છે, એ સૌથી કમનસીબ બાબત છે. આ કાવતરામાં સૌની સહિયારી જવાબદારી છે. વાલીઓને બાળક અંગ્રેજી બોલે એટલાથી ગૌરવ થતું નથી. ગુજરાતી ન આવડે તો જ પોતે અંગ્રેજી મિડીયમમાં ન ભણ્યાનો વસવસો કરતાં માતાપિતાનો મોક્ષ થાય છે. સ્કૂલમાં ફરજિયાત રીતે અંગ્રેજી અને અંગ્રેજી નહીં તો હિંદી પણ ગુજરાતી તો નહીં, નહીં ને નહીં જ, એવો નિયમ રાખવામાં આવે છે. એટલે નખશીખ ગુજરાતી પરિવારનાં ઈંગ્લીશ મિડીયમમાં ભણતાં બાળકો ઘરમાં કે મિત્રો સાથે હિંદી-ઈંગ્લિશમાં વાતો કરે છે અને એકબીજાને આંજવાની પ્રક્રિયામાં એકબીજાથી અંજાય છે.

રહી વાત માતાપિતા કે કુટુંબીજનોની. એમને સમજાય છે કે ગુજરાતી ભાષાનેે ઉતરતી ગણવા માંડેલું બાળક અંગ્રેજીને ભાષાને બદલે લાયકાત સમજી બેસે છે? અને મોટા ભાગનાં માબાપ એ લાયકાતના અભાવે, માંડ પ્રાથમિક સુધી પહોંચેલા બાળકની નજરમાં ડફોળ ઠરવા માંડે છે? ગુજરાતી ભાષા લુપ્ત થતાં થશે, પણ સંતાનના મનમાંથી તેમનો દરજ્જો અકાળે લુપ્ત થઇ જાય છે.

જે ભાષા કરોડની સંખ્યામાં લોકો બોલતા હોય, તે એમ કંઇ લુપ્ત થઇ જવાની નથી અને ભાષાની બ્રીફ લઇને ફરનારા અણઘડ વકીલોથી બચવાની પણ નથી. ગુજરાતીને બચાવવાનો દાવો મોટો અને ગેરરસ્તે દોરનારો છે. અત્યારે ખરી જરૂર ગુજરાતીને બચાવવાની નહીં, તેનો મહિમા કરવાની છે. તેનું ગૌરવ સ્થાપવાની છે. વૈજ્ઞાનિક અભિગમ અને માતૃભાષાનું વૈજ્ઞાનિક મહત્ત્વ જાણવું જરૂરી છે, પણ લોકોની શરમ તોડવામાં એ માહિતી બહુ કામ નહીં લાગે. તેના માટે સમાજના સફળ-પ્રભાવશાળી વર્ગમાંથી ગુજરાતીનો મહિમા વહેતો કરવો પડે અને તે પણ ઉપદેશ દ્વારા નહીં, આચરણ દ્વારા. બિનગુજરાતી અભિનેત્રીઓ બે લીટી ગુજરાતીમાં બોલી જાય, તો લોકો કેવા અડધા અડધા થઇ જાય છે! તો ખરેખર ગુજરાતી જાણતા-ગુજરાતી વાંચતા પ્રસિદ્ધ લોકો ગુજરાતી ભાષા માટે પોતાની લાગણી જાહેર ન કરી શકે?

ગુજરાતીનો મહિમા કરવાના તમામ પ્રયત્નો આવકાર્ય છે, પરંતુ ભાષાને ગૌરવ અપાવવાનું આખરે સૌ ગુજરાતીઓના હાથમાં છે. ગુજરાતમાં, ગુજરાતી તરીકે રેસ્ટોરાંમાં, બેંકમાં કે બીજી જાહેર સેવાઓની જગ્યાએ ગભરાતાં ગભરાતાં હિંદી- અંગ્રેજીમાં બોલવાને બદલે, છટાથી ગુજરાતીમાં બોલીને પણ ગુજરાતીનો મહિમા વધારી શકાય.