6 May 2016

ચુંબકીય આકર્ષણ- બ્રાડને ભૂલી જાઓ, આ છે વિશ્વનો સૌથી વધુ આકર્ષણ સર્જતો માણસ!

બ્રાડને ભૂલી જાઓ, આ છે વિશ્વનો સૌથી વધુ આકર્ષણ સર્જતો માણસ!

ચુંબકીય આકર્ષણ
અરૂણ રેકવરના શરીર પર ખીલીઓ-ચમચીઓ ચોંટી જાય છે: પોતાના શરીરમાંથી ખાસ વેવ્ઝ નીકળતા હોવાનો દાવો

એજન્સી > ભોપાલ

- એક ભારતીય માણસે એવો દાવો કર્યો છે કે તેનું શરીર ચુંબક જેવું છે. તે ઘરની ચીજવસ્તુઓને પોતાના શરીર પર આપોઆપ ચીપકાવી શકે છે. અરૂણ રેકવાર મધ્યપ્રદેશના સગર જિલ્લાનો રહેવાસી છે. તેણે થોડા મહિના અગાઉ તેની અનોખી સ્કીલ વિશે જાણ્યું હતું. તેણે એ સમયે જોયું કે ઘરનું કોઈ કામ કરી રહ્યો હતો ત્યારે કેટલીક ખીલીઓ તેના શરીર પર ચોંટી ગઈ હતી. અરૂણ ફોટોગ્રાફર છે અને તેની તસવીરમાં તેના શરીરના ઉપલા ભાગે પર ચોંટેલી ખીલીઓ અને ચમચીઓ જોવા મળે છે. તે ચુંબક સાથે લોખંડ ચોંટે એમ તેના શરીર પર ચોંટી ગઈ છે. અરૂણ કહે છે કે તેને એ ખ્યાલ નથી કે આવું કઈ રીતે બને છે. જોકે, તે એમ પણ કહે છે કે એ વિશે તેને જાણવું પણ નથી. અરૂણના કહેવા પ્રમાણે આ કોઈ ગૌરવશાળી ઘટના નથી પણ લોકો મારા મેગ્નેટીક પાવર્સને જુએ છે ત્યારે સારું લાગે છે.

રેકવાર કહે છે, ‘મારા શરીર સાથે આ અનોખી ઘટના બની ત્યારે શરૂઆતમાં મને ડર લાગ્યો હતો પણ હવે હું બધાથી સામાન્ય થઈ ગયો છું.’ રેકવારને લાગે છે કે તેના શરીરમાંથી ‘સ્પેશિયલ વેવ્ઝ’ નીકળી રહ્યાં છે જે તેને ‘ચુંબકીય’ બનાવે છે. અરૂણે સ્થાનિક હોસ્પિટલમાં ડોક્ટરનો સંપર્ક પણ સાધ્યો હતો અને એ ખાતરી કરી હતી કે તેને શારીરિક રીતે કોઈ ખામી તો નથીને. અરૂણના શરીરમાં સૌથી વધુ મેગ્નેટીક પાવર તેમની છાતી, પેટ અને પીઠમાં હોય છે એવો તે દાવો કરે છે. તેણે જ્યારે પોતાની આ શારીરિક સ્થિતિ ડોક્ટર્સને દર્શાવી ત્યારે તેઓ પણ ચક્તિ થઈ ગયા હતા. 

રેકવારના કેસનો આતુરતાપૂર્વક અભ્યાસ કરી રહેલા ડો. શૈલેન્દ્ર શુક્લએ કહ્યું હતું, ‘આ ઘણો જ કુતૂહલપ્રેરક કેસ છે પણ એ આશ્ચર્યજનક નથી કેમકે આપણા સૌના શરીરમાં અમુક અંશે મેગ્નેટીક ફિલ્ડ હોય જ છે. આ જ કારણસર આપણે એમઆરઆઈ કે ઈસીજી સ્કેન કરાવી શકીએ છીએ.’ અરૂણના શરીરની ખાસિયત એ છે કે તેનું મેગ્નેટીક ફિલ્ડ વધે છે અને થોડા સમયમાં તે દૂર થઈ જાય છે. તે કાયમી નથી. અરૂણ કહે છે કે પોતાના શરીરની આ ખૂબીથી આકર્ષાઈને સ્થાનિક લોકો તેમને રોકીને પોતાનો આ મેગ્નેટીક પાવર દર્શાવવા કહેતા રહે છે. અરૂણ કહે છે,‘ અસલમાં મારે આવો પાવર જોઈતો નથી. જો આમ જ ચાલશે તો સૌના માટે હું એક જોણું બની જઈશ પણ હા મારી એક ઈચ્છા છે કે મારી આ ખૂબી એકવાર રેકોર્ડ્સ બુકમાં સામેલ થાય. ’