28 February 2017

વકીલ રાખવાની ત્રેવડ નથી અને સમયનો અભાવ હોવાથી આ લખાણમાં અતિ ઉત્સાહ હોવા છતાં હાલમાં જીવીત કોઈ વ્યક્તિ કે સંસ્થાના નામનો ઉલ્લેખ કરેલ નથી.
જાણકારી ન હોવા કરતાં અધૂરી જાણકારી હોવી અત્યંત જોખમકારક છે ! છેલ્લાં ઘણાં દિવસથી કેટલાંક શૈક્ષણિક બૂટલેગરો કહે છે કે, “પહેલાંના ઋષિમુનિઓ ઝાડ નીચે બેસીને ભણાંવતા હતાં છતાં આજના કરતાં સારું શિક્ષણ આપતાં હતાં.” વાગોળને હંમેશા દુનિયા ઉંધી જ દેખાય ! ગઈકાલના ઋષિમુનિઓનું જ લેટેસ્ટ વર્ઝન “શિક્ષક” છે.
ઉપરના વાક્યને ફરી એકવાર વાંચો. “ઝાડ નીચે ભણાવતાં ......” યસ, ભણાવતાં અમે ક્યાં ભણાવીએ છીએ જ ? ૧૮ પુરાણો, શાસ્ત્રો જોઈ લીધાં, એક પણ ઋષિમુનિ BLO  ન હતાં. કોઈ ઋષિમુનિ ઓડીટ કરાવવા ગયા નહોતાં. કોઈ ઋષિમુનિ ૨૦ દિવસીય બ્લોક-ક્લસ્ટરની તાલીમમાં જોડાયા ન હતાં, એકપણ આશ્રમનું ઈન્સ્પેક્શન થયું ન હતું. હોળી-દિવાળી જેવા ઉત્સવો સિવાય અન્ય કોઈ ઉત્સવનું આયોજન કરેલ ન હતું. તે સમયે હજુ શિષ્યવૃતિના કોઈ પત્રકો બન્યા ન હતાં. ઓન લાઈન ડેટા એન્ટ્રીને લગભગ પાંચેક હજાર વર્ષની વાર હતી. તે સમયે રાજાશાહી હોવાથી કોઈ ઋષિમુનિને પ્રિસાઈન્ડિંગ કે પોલિંગ ઓફિસરનો ઓર્ડર મળ્યો ન હતો. ૯ નું ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવવા કોઈ ઋષિમુનિ દર દર કી ઠોકરે ખાતાં જોવામાં આવ્યા નથી. આવું તો કેટલુંય ગણાવી શકાય તેમ છે.
ઋષિમુનિઓ સફળ હતાં તેનું કારણ છે:- આશ્રમોમાં ગુરૂઓ સિવાય અન્ય કોઈ અધિકારી અથવા કેન્દ્રિય સંસ્થાનું કોઈ નિયંત્રણ ન હતું. આપણા દેશની ગૌરવ સમી વિક્રમશિલા વિદ્યાપીઠમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં. આ વિદ્યાપીઠનું સમગ્ર સંચાલન એક મુખ્ય અધ્યક્ષ અને ૬ વિદ્વાનોની સમિતિ મળીને વિદ્યાપીઠની પરીક્ષા, શિક્ષણ, શિસ્ત વગેરેનો પ્રબંધ કરતા હતાં. ભારતની એકપણ વિદ્યાપીઠ, આશ્રમ કે ગુરૂકુળમાં રાજકારણને પ્રવેશ ન હતો. (રાજકારણ ખરાબ બાબત છે એવું કહેવાનો બિલકુલ આશય નથી.) તમામ સંસ્થાઓ સ્વાયત્ત હતી. વળી, આ સંસ્થાઓમાં કઠોર અનુશાસનનું પાલન કરાવવામાં આવતું. તક્ષશીલાની શસ્ત્ર વિદ્યાલયમાં જુદાંજુદાં રાજ્યોના ૧૦૩ રાજકુમારો ભણતાં હતાં. તેઓ પણ જો વારંવાર ભૂલો કરે તો તેમનેય મહાપ્રસાદી મળતી હતી !
હાલની સરખામણીમાં તે સમયનો PTR  ૫:૧ હતો.(પાંચ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક) આ માહિતી નાલંદા વિદ્યાપીઠની છે. જે સમાજમાં કવિ કરતાં ક્લાર્કને બેંકલોન જલદી મળતી હોય તે સમાજમાં શિક્ષક શું કરી શકે ?? દરેક ગુરૂકૂળને માટે કેટલાંક વિષયો ફરજીયાત હતાં, કેટલાંક વિષયો મરજીયાત હતાં તો કેટલાંક વિષયો ફરજીયાત અભરાઈએ ચઢાવી દીધેલ હતાં. પાઠ્યપુસ્તકો શિક્ષણમાં બાધારૂપ હોવાથી આશ્રમોમાં તેમને એડમિશન મળ્યું ન હતું. પ્રશ્નપત્રો અને OMR SHEET ઋષિમુનિઓએ રિજેક્ટ કરી, માત્ર પ્રેક્ટીકલ એક્ઝામ લેતાં હતાં. પ્રતિ માસ રૂ.૧૮૦૦ ની સ્વચ્છતા ગ્રાન્ટ મળતી ન હોવાથી આશ્રમનું તમામ કાર્ય ગુરૂ-શિષ્ય જ કરતાં હતાં. આશ્ચર્ય એ વાતનું છે કે ઈતિહાસમાં ક્યાંય એવું નોંધાયું નથી કે કોઈ વાલી પોતાના બાળકને આશ્રમમાં કામ કરાવે છે એવી ફરીયાદ લઈને આવ્યું હોય !!!
પુરાતન કાળમાં શિક્ષકની એક લાયકાત એ હતી: તે કોઈ એક વિષયમાં નિષ્ણાંત હોવો જોઈએ અને અન્ય વિષયોનો જાણકાર હોવો જોઈએ. આજના સંદર્ભમાં મૂલવો તો આજે ધોરણ ૬ થી ૮ ના શિક્ષક માટે પ્રજ્ઞા વર્ગનો ઊંબરો ડુંગરો બની જાય છે ! તથા પ્રજ્ઞા શિક્ષક માટે ધોરણ ૬ થી ૮ એ કોઈ વિઝા લઈને જ જઈ શકાય એવું સ્થળ બની જાય છે ! આ વાત ન સમજાય તો આ ફકરાની પહેલી બે લીટી ફરી વાંચી લો. આમાં વાંક શિક્ષકનો નથી. આઝાદી બાદ આ દેશમાં સૌથી વધુ પ્રયોગો શિક્ષણ અને દેડકા પર જ થયા છે ! આ સિલસિલો હજુ ચાલુ છે.
વિદ્યાપીઠોમાં ૫/૧૦ થી માંડીને ૬૦ વિષયો સુધીનું શિક્ષણ આપવામાં આવતું હતું. વિદ્યાર્થી જે વિષયમાં વધુ રસ બતાવતો, તે વિષયનું વ્યાપક જ્ઞાન આપીને તેને તે વિષયનો “નિષ્ણાંત” બનાવવામાં આવતો હતો. ભૌતિક વિષયોની સાથે સાથે ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો પણ શીખવાડવામાં આવતી, એટલે તે સમયમાં શિષ્યોને વિદ્યાર્થીઓ કહેવાતા. આજે જે સાડા પાંચ કિલોના દફતરો ઊંચકીને પીળી પીળી બસોમાંથી ઉતરતાં કીડ્સ ઓક્ષ (બાળ બળદ) જુઓ છો ને તે “શિક્ષાર્થી” છે “વિદ્યાર્થી” નથી.
દરરોજ સૂર્યોદય થાય અને એકાદ પ્રવૃતિ કરાવવાનો પરીપત્ર નિશાળ શોધતો શોધતો આવી જાય છે. અભ્યાસિક પ્રવૃતિઓ ઘટતી જાય છે ને સહ અભ્યાસિક પ્રવૃતિઓ વધતી જાય છે !! એકપણ ભારતમાતાનો પુત્ર શાળામાંથી આ નકામી પ્રવૃતિઓ બંધ કરવી એવો પરીપત્ર કરતો નથી. ઉદાહરણ સહિત વાત કરીએ તો જ્યારથી ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારથી પ્રાર્થના સંમેલનમાં કરાવવાની વિવિધ પ્રવૃતિઓના અઢળક પરીપત્રો થયા છે. પ્રાર્થના, ભજન, ધૂન, બાળગીત, અભિનય ગીત, આજનું પંચાંગ, સમાચાર વાંચન, ઉખાણાં, પ્રશ્નોત્તરી, યૌગિકક્રીયાઓ, શિક્ષકોના વક્તવ્ય, આજનું ગુલાબ, આજનો દિપક, પ્રજ્ઞાગીત, પ્રતિજ્ઞાપત્ર, ઘડિયાગાન, પુસ્તક સમિક્ષા વગેરે વગેરે વગેરે, ઉમેરાતું જ રહ્યું છે. કોઈ સરસ્વતીના સાચા સાધકે આમાંથી આ પ્રવૃતિઓ હવે રદ કરવી એવો લેટર કર્યો ખરો ?? શિક્ષક એક્ટેવીટી ઓક્ટૉપસ બની ગયો છે ! શિક્ષકો સ્વ વિવેકથી મેનેજ કરે જ છે, છતાં કોઈક તો સમજો !!
કેટલાંક ચોક્કસ શિક્ષકોની જરૂરિયાત ઊભી થાય ત્યારે પ્રસંશાના પુલ બાંધવામાં આવે છે. “તમે તો તાલુકાનું ક્રીમ છો, તમે તો જિલ્લાનું ક્રીમ છો, તમે તો રાજ્યનું ક્રીમ છો.” સ્વાર્થ સધાઈ જાય પછી આ ક્રીમ ખાટી છાશમાં રૂપાંતર થઈ જાય છે. “ “ખાટી છાશ” નું સ્થાન ક્યાં હોય તે તો આપણે જાણીએ જ છે. આ ક્રીમમાંથી ખાટી છાશ બનવાના સમય દરમ્યાન તે શિક્ષકના વર્ગનું શિક્ષણ વલોવાઈ જાય છે.
દલીલબાજીમાં પ્રકાશ ઓછો અને ગરમી વધુ હોય છે એટલે હવે કોઈ દલીલ કરવી નથી. પુરાતન સમયનું  શિક્ષણ બેશક સારૂ હતુ તેની ના નથી પણ તેના યોગ્ય સંદર્ભનો વિચાર કર્યા વગર આજના શિક્ષકને શૂળીએ ચઢાવવો બિલકુલ યોગ્ય નથી,