3 November 2018

સમયના બદલાવ સાથે, કેટકેટલું બદલાય છે?

ના કોઈ ઘરે આવ્યું,
                  ને ના કોઇને મળવા ગયા;
ટેબલ પર  કાજૂ-બદામ ને પીસ્તા,
               જેમના તેમ જ પડ્યાં રહ્યા...

એ જ ટેબલક્લોથ છે,
            ને હવે ના ચાદરો બદલાય છે;
આમ પણ પહેલાંની માફક,
               ક્યાં હવે કશું યે થાય છે ? ...

ઘૂઘરા, મઠિયા ને મોહનથાળ,
                       ના કોઇ હવે ખાય છે;
બસ, થોડી સુગર ફ્રી મીઠાઇ,
                         ડીશમાં પીરસાય   છે. ...

બારણે પ્લાસ્ટિકના તોરણ,
                        ને સ્ટીકરમાં લાભશુભ;
લક્ષ્મી પગલાં ઉંબરે,
                        ક્યાં કંકુથી હવે દોરાય છે ?...

એ નવા કપડાની જોડી ,
                      ને બૂટ પર પાલીશ કરી;
બોણીની આશા લઇને,
                     ક્યાં હવે ઘર ઘર ગણાય છે? ...

તારામંડળ, ભોંય ચકરી,
                              કોઠી ને રોકેટ;
એ ભીંત ભડાકા ને લૂમ ટેટાની,
        ક્યાં હવે રસ્તે ઠાઠથી ફોડાય છે?...

સાપની ટીકડીનો એ,
          શ્વાસમાં જતો કાળો ધૂમાડો;
આજે સ્મરણોની શેરીમાં,
                    ચારેકોર પથરાય છે....

હા, સમયના બદલાવ સાથે,
                  કેટકેટલું બદલાય છે?
તો ય જાણે એવું લાગતું,
                કે ભીતરે કૈંક ગૂંગળાય છે...