3 November 2018

માણસ સુખી થવા કરતાં સુખી દેખાવાના જ પ્રયત્નો વધુ કરે છે, પરિણામે અપાર દુ:ખની પ્રાપ્તિ થાય છે.

      મનુષ્ય અનેક કષ્ટો વેઠીને  રાતદિવસ એક કરે છે. આ કાર્યોને અંતે માનવી શું ઇચ્છે છે ?  તેનો અંતિમ જવાબ હશે : સુખ‌‌.
         શું રાતદિવસ ઉધામા કર્યા પછી સુખની પ્રાપ્તિ થાય છે ?
        સુખી થવું ખૂબ સહેલું છે, છતાં સુખી થઈ શકાતું નથી. કારણ કે, આપણી સુખ  શોધવાની દિશા અવળી છે. એક દિવસ એક નાની દીકરીએ તેની માતાને કહ્યું : મા, તારે સાસુ-સસરા, જેઠ-જેઠાણી, દિયર-દેરાણી વગેરે કેટલા સંબંધીઓ છે. મારે પણ સાસુ-સસરા, જેઠ-જેઠાણી, દિયર-દેરાણી વગેરે જોઈએ છે. મને આ સંબંધીઓ લાવી આપ. આ સાંભળીને તેની માતા હસી પડી ને કહ્યું : બેટા, લગ્ન થાય એટલે આપોઆપ આ બધા સંબંધીઓ પ્રાપ્ત થાય. આ સંબંધીઓને લેવા જવાના ન હોય. દીકરી કહે : ના, મારે લગ્ન નથી કરવા. મારે તો લગ્ન કર્યા વિના જ આ સંબંધીઓ જોઇએ. ગમે તેમ કરીને તું મને  લાવી આપ.
        નાદાન  દીકરીની વાત સાંભળીને આપણને હસવું આવે, પરંતુ આપણી હાલત પણ આ દીકરી જેવી જ છે. અંતરમાં ડોકિયું  કરીને, સાચી સમજણ  કેળવીએ એટલે આપોઆપ અવિનાશી સુખની પ્રાપ્તિ થાય. આપણું સુખ આપણી ભીતર પડ્યું છે ને આપણે બહાર શોધી રહ્યા છીએ. પરિણામે  જીવનમાં અનેક ભૌતિક ચીજવસ્તુઓની પ્રાપ્તિ પછી પણ આનંદનો  અહેસાસ થતો નથી.
        એક અબજોપતિ શેઠ હતા. એક દિવસ તેમના ઘરે એક સંત પધાર્યા. શેઠે સંતને પોતાની ફેકટરી બતાવી. ઘણી આગતાસ્વાગતા કરી. શેઠના મનમાં એક પ્રશ્ન હંમેશાં રહેતો હતો તે પુછવાની તેને ઇચ્છા થઈ. સંત ઓફિસમાં બેઠા હતા ત્યારે શેઠે તેમને પ્રશ્ન પૂછયો : મહારાજ,આપને હું ઘણા વર્ષોથી ઓળખુ છું.  આપની પાસે વ્યક્તિગત માલિકીની કોઇ સંપત્તિ ન હોવા છતાં આપ હંમેશાં આનંદિત રહો છો. મારી પાસે અબજો રૂપિયા હોવા છતાં હું સુખનો અનુભવ કેમ કરી શકતો નથી ?
        સંતે શેઠની ઓફિસમાં ચોતરફ નજર ફેરવી. એક દિવાલ  ઉપર વિશ્વનો નકશો મળી આવ્યો. સંતે શેઠને પૂછયુ : આ શું છે?  શેઠ કહે : મહારાજ, આ દુનિયાનો નકશો છે. સંતે બીજો સવાલ પૂછયો : આ નકશામાં ભારત ક્યાં છે ? શેઠે નકશામાં ભારત બતાવ્યું. સંતે ફરી પૂછયું : આપણે જ્યાં ઊભા છીએ તે તમારી ફેકટરી ક્યાં છે? ત્યારે શેઠે કહ્યું : મહારાજ, દુનિયાના નકશામાં દર્શાવેલા શહેરો, દેશોના પ્રમાણમાં મારી ફેકટરીનું અસ્તિત્વ અતિસૂક્ષ્મ હોવાથી તે ન દેખાય. સંતે કહ્યું : જો નકશાનો  સિદ્ધાંત  જીવનમાં સમજાઈ તો સહેજે સુખની અનુભૂતિ  થાય, કુદરતે સર્જેલી આ સૃષ્ટિમાં  આપણું અસ્તિત્વ  એક મચ્છર કરતાં પણ અતિસૂક્ષ્મ છે. પરંતુ આપણે એવું અભિમાન લઈને બેઠા છીએ કે, હું ખૂબ બુદ્ધિશાળી છું. મારા વિના  આવા શ્રેષ્ઠ કાર્યો કોઈ કરી શકે જ નહીં. કોઈ પ્રસંગે આપણી વાહ વાહ ન થાય તો ખોટું લાગી આવે છે. આ બધી બાબતોને લીધે જ આપણને સાચાં સુખની પ્રાપ્તિ થતી નથી. સુખી થવાની ચાવી મેળવવા આદ્યકવિ નરસિંહ મહેતાની એક પંકિત ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે :
હું કરું  હું કરું એ જ અજ્ઞાનતા,
શક્ટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ  મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે,....
શાશ્વત સુખ પ્રાપ્તિ માટે સંતોએ અનેક ઉપાયો દર્શાવ્યા છે. તે પૈકી કેટલાક આપણા આચરણમાં આવી જાય તો સહેજે હરક્ષણ સુખનો અહેસાસ થાય. સૌ પ્રથમ એક સૂત્ર અપનાવીએ :
પુરુષાર્થ પોતાનો, ભરોસો ભગવાનનો.
જીવનમાં સાચા દિલથી ખૂબ પુરુષાર્થ કરીએ. ફ્ળની   ચિંતા છોડી દઇએ. ભગવાન ઉપર ભરોસો રાખીએ. ભગવાન આપણા માતાપિતા છે, તે  આપણું ભલુ જ કરશે. પુરુષાર્થ પછી બીજો ક્ર્મ : “પ્રાર્થના”.
પ્રાર્થનામાં ખૂબ મોટી શક્તિ રહેલી છે. આપણા જીવનની બધી જ ચિંતા,મુશ્કેલી, યશ વગેરે પ્રભુને સોંપી દઈએ.જીવન હળવું ફૂલ  અને  મઘમઘતું બની જશે. આથી જ કહ્યું છે :
        “સબ સોંપ દો પ્યારે પ્રભુ કો,
        સબ સરલ હો જાયેંગા ;
        ખુશિયો કી સુંદર ઝીલ  મેં,
        જીવન કમલ મુસકાયેંગા.”
ભગવાનને બધું સોંપી દેવાની વાતને પણ યથાર્થ રીતે સમજવાની જરૂર છે. કામ કરવાનું બંધ કરીને આપણે એમ સમજતા હોઈએ  કે મેં બધું ભગવાનને સોંપી દીધું છે,તો  ખૂબ મોટી ભૂલ છે. શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ આળસુ સાધુની વાર્તા દ્વારા જીવનમાં આળસ ન કરવા અંગે ખૂબ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. પ્રત્યેક મનુષ્યે સાચા દિલથી કર્મ તો કરવાનું જ છે. કર્મ ફળની આશા છોડવાની છે કારણ કે, ફળ તો ભગવાન આપવાના જ છે.

કુશળતાપૂર્વક કર્મ કરવાથી ભૌતિક સંપત્તિની પ્રાપ્તિ થશે. ભૌતિક સંપત્તિ જેટલી વધશે તેમ ચિંતા,ભય,માન વગેરે ઘણું બધું વધશે. પરંતુ ભૌતિક સંપત્તિ સાથે આંતરિક સંપત્તિ વધશે અર્થાત ભગવાનની આજ્ઞાનું પાલન કરીશુ  તો સાચા આનંદની પ્રાપ્તિ થશે, ગૃહસ્થ જીવનમાં ભૌતિક સંપતિ અનિવાર્ય  છે. તેની સાથે આંતરિક સમૃદ્ધિ  પણ ખીલવતા જઈએ.

શબ્દ સિંધુ
માણસ સુખી થવા કરતાં સુખી દેખાવાના જ પ્રયત્નો વધુ  કરે છે, પરિણામે અપાર દુ:ખની પ્રાપ્તિ થાય છે.

              - રાજેશ ધામેલિયા